Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : દૂધરેજ નજીક નર્મદા વિભાગની જમીનમાં દબાણ અને બાંધકામ મુદે કોન્ટ્રાક્ટરો સામે નોંધાયો ગુનો

સુરેન્દ્રનગર : દૂધરેજ નજીક નર્મદા વિભાગની જમીનમાં દબાણ અને બાંધકામ મુદે કોન્ટ્રાક્ટરો સામે નોંધાયો ગુનો
X

ટાઉનશીપ બનાવવા માટે નર્મદા વિભાગની જમીન પર દબાણ કર્યું

કેનાલ પરથી ટાઉનશીપ બનાવવા માટી ચોરી પણ કરવામાં આવી

નર્મદા વિભાગ દ્વારા સરકારી જમીનમાં દબાણ અને માટી ચોરી મુદ્દે 15.75 લાખનું નુકસાન કર્યું હોવાની એ- ડિવિઝન પોલીસ મથકે કોન્ટ્રાકટર સામે ફરિયાદ નોંધાવી

સુરેન્દ્રનગર જિલ્લામા સરકારી ખરાબા તથા સરકારી જમીનો તથા સરકાર હસ્તગત આવેલી જમીનો દબાણ કરવામા આવતા હોવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. અમુક સરકારી જગ્યામાં મોટી ઈમારતો પણ બની ગઈ હોય અને બારોબાર વેચી દેવામાં આવી હોય તેવા કિસ્સા પણ સુરેન્દ્રનગર જિલ્લામા સામે આવ્યા છે. ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી જગ્યાઓ તથા સરકારી ખરાબો તથા જે નિગમની જગ્યાઓ છે, તે પણ હવે સલામત ન હોવાના બનાવો સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરના દુધરેજ ગામ પાસે આવેલી નર્મદાની કેનાલ પાસે નર્મદા વિભાગની જગ્યા પડી છે.

તેની બાજુમાં પડેલી ખુલ્લી જગ્યા કરોડો રૂપિયાની આ જગ્યા ગણવામાં આવી રહી છે. ત્યારે કોઈ દબાણ ન થાય અથવા ખાનગી માલિકીવાળી જગ્યાઓ આગળ ન વધે તે માટે નર્મદા વિભાગ દ્વારા જે તે સમયે માટીનો પાળો કરી અને પોતાની જગ્યા સુરક્ષિત કરી દેવામાં આવી હતી. તેમ છતાં પણ આ જગ્યા હવે સુરક્ષિત રહી નથી. ત્યારે નર્મદા વિભાગની જગ્યામાં દબાણ અને બાંધકામ કરી નાખવામાં આવ્યા હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખાસ કરીને દુધરેજ પાસે આવેલી આ જગ્યા નર્મદા વિભાગની કરોડો રૂપિયાની અને મોકાની જગ્યા ગણવામાં આવી રહી છે, ત્યારે ટાઉનશીપ બનાવવા માટે કોન્ટ્રાક્ટરો દ્વારા આ જગ્યા ઉપર કબ્જો કરી લેવામાં આવ્યો છે.

અને ત્યારબાદ ત્યાં નાખવામાં આવેલી માટી અને દબાણ પણ કરવામાં આવ્યું છે. અને મહદઅંશે થોડું બાંધકામ પણ કરી દેવામાં આવ્યું છે.આ મામલે નર્મદા વિભાગ દ્વારા સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નર્મદા વિભાગની જ્યાં જગ્યા આવેલી છે, ત્યાં માટીનો પાળો હતો, તે તોડી પાડવામાં આવ્યો છે. અને ત્યાંથી માટીની ચોરી અને દબાણ કરવામાં આવ્યા હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.જેમાં ટાઉનશિપના ત્રણ માલિકો સામે આ ગુનો દાખલ કરવામા આવ્યો છે. આ અંગે સુરેન્દ્રનગર સીટી પોલીસે કાર્યવાહી હાથ ધરી અને જે સ્થળ છે, જ્યાં નર્મદાની જમીન આવેલી છે, ત્યાં જઈ અને પંચનામું અને સેમ્પલ લઇ અને કાર્યવાહી હાથ ધરી છે.

ખુદ નર્મદા વિભાગના અધિકારી ફરિયાદી બન્યા-પંચો પણ મજબૂત રાખવામાં આવ્યા

નર્મદા વિભાગની જમીનમાં થયેલી માટી ચોરી અને દબાણ મુદ્દે જે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં ખુદ નર્મદા વિભાગના અધિકારી ફરિયાદી બન્યા છે. અને ખાસ કરીને જે સાહેદોના નિવેદનો તેમજ પંચ રાખવામાં આવ્યા છે, તે પણ મજબૂત રાખવામાં આવ્યા છે. કારણ કે, સામાન્ય રીતે જો પંચ નબળો હોય તો આ કેસ ઢીલો થઈ શકે તેમ હોય છે. તેને લઈને કેસ કોર્ટમાં નબળો ન પડે યોગ્ય રીતે જે સત્યતા છે, તે કોર્ટ સમક્ષ પંચો રજૂ કરી શકે તે માટે કડક પંચ રાખવામાં આવ્યા છે. અને ખુદ નર્મદા વિભાગના અધિકારીઓ આ મામલે ફરિયાદી બન્યા છે. અને વિવિધ પ્રકારની તપાસ કામગીરી ફરિયાદ બાદ નર્મદા વિભાગના અધિકારીઓને સાથે રાખી અને પોલીસ વિભાગે શરૂ કરી દીધી છે.

સરકારી માલ મિલકતને નુકસાન પહોંચાડ્યાની કલમો સાથે 3 ઈસમો સામે દાખલ કરાઈ

દુધરેજ નજીક નર્મદા વિભાગની જે જગ્યા આવેલી છે, ત્યાંથી માટી ચોરી તેમજ દબાણ કરવા મુદ્દે નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જોકે પોલીસે આ મામલે સરકારી માલ મિલ્કતને નુકસાન પહોંચાડ્યા હોવાની કલમો લગાડી અને ત્રણ ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શિવસર્જન ટાઉનશીપ બનાવવા માટે આ નર્મદા વિભાગની માટીનો ઉપયોગ કરવામાં આવ્યા હોવાનો તપાસમાં ધડાકો થયો છે. આ મામલે ગુનો દાખલ કરી અને ભરવાડ કરણભાઈ રાજેશભાઈ, પરીન જયેશભાઈ આહીર અને અજીતસિંહ નટવરસિંહ ઝાલા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે તપાસ કામગીરી હાથ ધરી છે.

સીટી પોલીસ તાત્કાલિક દોડી ગઈ અને પંચનામું કરી જમીનના 5 સ્થળોએથી સેમ્પલ લેવાયા

નર્મદા વિભાગ દ્વારા જમીન દબાણ અને માટી ચોરી કરાયા હોવાની ફરિયાદ દાખલ સીટી પોલીસ સ્ટેશનમાં કરાયા બાદ નર્મદા વિભાગના અધિકારીઓને સાથે રાખી અને ફરિયાદ દાખલ કરી અને સીટી પોલીસ તાત્કાલિક પણે જે સ્થળે દબાણ અને માટી ચોરી કરવામાં આવી છે, તે સ્થળે દોડી ગઈ છે. અને આ અંગે પંચનામું તથા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને જે જમીન દબાણ કરવામાં આવી છે, અને માટી ચોરી કરવામાં આવી છે, તેવા કોન્ટ્રાક્ટરો ઉપર કડક પગલાં ભરાય તેવા પ્રયાસો પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. હવે માટી ચોરી જે કરવામાં આવી છે, તેના પણ નમૂના લેવામાં આવ્યા છે. અલગ અલગ પાંચ સ્થળો ઉપર સિટી પોલીસે માટીના નમુના લઇ અને આ બાબતે ફોરેન્સિક તપાસણી માટે આ નમૂના મોકલી આપ્યા છે અને આ અંગે કાર્યવાહી હાથ ધરી છે.

ટાઉનશિપ ઉભી કરનારા કોન્ટ્રાકટરે 2 મીટરનું બાંધકામ કરી નાખ્યું અને પાળો તોડી નાખ્યો

સામાન્ય રીતે નર્મદા વિભાગની દુધરેજ નજીક આવેલી જગ્યા છે, તેનો કોઈ કબ્જો ન જમાવી લે અને આગળ ન વધે તે માટે નર્મદા વિભાગ દ્વારા માટી પુરાણ કરી અને પાળો બનાવવામાં આવ્યો છે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ જ્યાં આ જગ્યા આવેલી છે, ત્યાં બાજુમાં ટાઉનશીપ ઊભી કરવામાં આવી રહી છે. અને મકાનો બનાવવામાં આવી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો દ્વારા નર્મદા વિભાગની જ્યાં જગ્યા આવેલી છે, ત્યાં પાળો તોડી અને માટીની ચોરી કરવામાં આવી છે. બે મીટર જેટલું ગેરકાયદેસર બાંધકામ પણ કરી નાખવામાં આવ્યું છે. ત્યારે નર્મદા વિભાગના અધિકારીઓને આ બાબતની જાણ થતા નર્મદા વિભાગના અધિકારીઓ જે સ્થળે નર્મદાની જગ્યા આવેલી છે, ત્યાં દોડી ગયા છે અને સ્થળ તપાસ કરવામાં આવતા અને તમામ પ્રકારે આ બાબતે ચકાસણી કરવામાં આવતા દબાણ કરી અને રૂ. 15.75 લાખની માટી ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ અંતે સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.

Next Story