અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠાને લઈ દેશવાસીઓમાં ઉત્સાહ
ભગવાન શ્રીરામના પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે આયોજન
લીંબડી ખાતે રામભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાય
વિરાટ ધનુષ અને ગદાની ઝાંખીએ જમાવ્યું આકર્ષણ
સાધુ-સંતો સહિત સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
આગામી તા. 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે રામભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશના અયોધ્યામાં તા. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ગુજરાત સહીત દેશવાસીઓમાં અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સ્થિત નીલકંઠ ઈન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ તેમજ સૌ રામભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શોભાયાત્રાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. કારણ કે, આ શોભાયાત્રામાં જે આકર્ષણ અને ઝાંખીઓ રાખવામાં આવી હતી, તે કઈક અલગ જ ઝાંખીઓ છે. જેમાં ભરત મિલાપ, રામદરબારના દર્શન, યજ્ઞરક્ષા નિદર્શન, વિરાટ ધનુષ અને ગદાના દર્શન, તલવાર બાજી, લાકડીદાવ, ધુન, ભજન સહિતના અનેક આકર્ષણો જોવા મળ્યા હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લાભરમાંથી સાધુ-સંતો તેમજ હિંદુ સંગઠનો સહિત રાજકીય અને સામાજીક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.