Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: પાટડીમાં પાંચ જીલ્લાના અગરિયાઓની મેરોથોન મીટીંગ, રણમાં જ અગરિયોની મહાપંચાયત ભરાશે

સુરેન્દ્રનગર: પાટડીમાં પાંચ જીલ્લાના અગરિયાઓની મેરોથોન મીટીંગ, રણમાં જ અગરિયોની મહાપંચાયત ભરાશે
X

કચ્છના નાના રણના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠા એમ પાંચ જિલ્લાના પરંપરાગત રીતે જાતે મીઠું પકવતા અગરિયા સમુદાયના અગરિયાઓ પોતાના પડતર પ્રશ્નો માટે જિલ્લાના પાટડી તાલુકામાં ગણતર સંસ્થા ખાતે મેરોથોન મીટીંગ યોજાઇ હતી. આ મીટીંગમાં પોતાની સમસ્યાઓને ઉકેલવા હવે અગરિયાઓ પોતે જ મહેનત કરશે અને આઝાદીના આટલા દાયકાઓ પછી પણ જાતે મીઠું પકવતા અગરિયાઓની પાયાગત સમસ્યાઓ ઠેરની ઠેર છે ત્યારે હવે અગરિયાઓએ જાતે કમર કસી છે. આગામી ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરમાં શરુ થતી મીઠું પકવવાની સીઝને કચ્છના નાના રણના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પરંપરાગત મીઠું પકવતા અગરિયાઓ રણમાં જ મહાપંચાયત ભરવાના મૂડમાં છે.

આ વર્કશોપ શિબિરમાં ઉપસ્થિત અગરિયા યુવાનોએ આગામી દિવસોમાં સમસ્ત અગરિયા સમુદાય માટે કામો કરવાની સ્વૈચ્છીક જવાબદારી સ્વીકારી હતી. કચ્છના નાના રણના પાંચ જિલ્લાઓમાંથી આવેલા અગરિયાઓને મીઠું પકવવાના સમયે રણમાં જવાની શરુઆતમાં જ પીવાના પાણીની ઉભી થતી સમસ્યાઓ, ઘુડખર અભ્યારણ્યના વન રક્ષકો દ્વારા કરાતી ખોટી કનડગતો, સાંતલપુર વિસ્તારમાં વર્ષોથી મીઠું પકવતા અગરિયાઓની જમીનો ઉપર કંપનીઓ દ્વારા બિન અધીકૃતરીતે હેવી મશીન વડે બનાવવામાં આવેલા 1300 જેટલા બોર, રણમાં મીઠું પાકવાના સમયે નર્મદા આધારિત કેનાલોનું દોઢ દાયકાથી ઘુસી જતા પાણીના નુકશાન અંગે સરકાર કોઈ વળતર કે સહાય ચુકવતી નથી, બનાસકાંઠા જિલ્લાના બોરુ ગામે એક જ કંપનીને ખોટી રીતે હજારો હેક્ટર જમીન ફાળવી દેવામાં આવી છે.

જ્યારે પરંપરાગત અગરિયાઓને 10એકરની લીઝ માટે પણ ફાંફાં, કચ્છમાં કંપનીઓ દ્વારા કરવામાં આવતું અગરિયાઓનું શોષણ, તેમજ એક તરફ અભ્યારણ્ય વિસ્તારમાં મીઠા ઉત્પાદક કંપનીઓ માટે લાલ જાજમ બિછાવવામાં આવી છે, અને જાતે મીઠું પકવતા અગરીયાઓને એમના મીઠા ઉત્પાદન માટેના જમીની હક્કો અંગે રાજ્ય સરકાર દ્વારા ઉપેક્ષાઓ સામે સરકારની બેધારી નીતિ પ્રત્યે ભારોભાર રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગણતર સંસ્થાના સુખદેવભાઇ પટેલ, પાટણ જીલ્લામાંથી કનૈયાલાલ રાજગોર, ખારાઘોડાના અંબુભાઈ પટેલ અને બાબુલાલ બાથાણી, ધ્રાંગધ્રાના સનતભાઈ ડાભી અને ભરતભાઈ રાઠોડ અને નારણપુરાના સતિષભાઇ સાવડીયાએ ઉપસ્થિત અગરિયાઓને એમની વાજબી સમસ્યાઓના ઉકેલ માટે વિવિધ ક્ષેત્રે ઉદભવતી સમસ્યાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Next Story
Share it