નાયબ કલેકટરનો સપાટો
બે હોટલ પર પાડ્યા દરોડા
બાયોડિઝલનું કૌભાંડ ઝડપાયું
રૂ.70 લાખનો મુદ્દામાલ જપ્ત
હોટલ માલિકો સામે કાર્યવાહી
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે મોડી રાત્રે મોટી મોલડી ગામ પાસે આવેલી બે હોટલો પર દરોડા પાડ્યા હતા.અને બાયોડિઝલના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે ચોટીલા હાઇવે પર આવેલી મોટી મોલડી ગામ પાસેની બે હોટલો પર રેડ કરી હતી.આ રેડમાં બાયોડિઝલના કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો.આ દરોડામાં યુ.પી. બિહાર પંજાબી ઢાબા અને યુ.પી. બિહાર દરભંગા હોટલમાંથી મોટા પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થ મળી આવ્યો હતો. કુલ 43,250 લિટર બાયોડિઝલ અને એક ટેન્કર સહિત રૂપિયા 70 લાખ 70 હજાર 750નો મુદ્દામાલ જપ્ત કરીને સીલ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન બંને હોટલમાંથી કુલ પાંચ જુદા જુદા ટાંકા મળી આવ્યા હતા. જેમાં 43,250 લિટર બાયોડિઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, 45 લિટરનું શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ ભરેલું ટેન્કર પણ સ્થળ પરથી મળી આવ્યું હતું.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોટલ માલિકોના જેઠુર રામભાઈ ખાચર અને વિક્રમ જોરૂભાઈ ધાંધલ તરીકે ઓળખાયા છે.જ્વલનશીલ પદાર્થનો આ જથ્થો કોઈને શંકા ન જાય તે માટે પાકા બાંધકામ હેઠળ છુપાવવામાં આવ્યો હતો.હાલ બાયોડિઝલના નમૂના લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે અને હોટલ માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.