ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામના પ્રગતિશીલ ખેડૂત
મધમાખીના ઉછેર સાથે શરૂ કર્યું મધનું ઉત્પાદન
બમણી આવક મેળવી અન્ય ખેડૂતોને આપી પ્રેરણા
ડબલ આવક મેળવે તે માટે ખેડૂતો અન્ય પાક તરફ વળે તે જરૂરી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના ખેડૂત ભરત ડેડાણીયાએ પોતાના ખેતરમાં મધમાખી ઉછેરવાનું કામ શરૂ કર્યું છે, જ્યાં ખેડૂત ભરત ડેડાણીયા મધમાખીનું મધ ભેગું કરી સારી આવક મેળવી રહ્યા છે. ભરત ડેડાણીયા પહેલા કપાસ, ઘઉ, બાજરી, જેવા પાકનું વાવેતર કરતા હતા. તેમાં પુરા ભાવ ન મળે અને વરસાદની અનિયમિતતા તેમજ ઉત્પાદન પણ ઓછું આવે, ત્યારે તેમણે પોતાના ખેતરમાં સાગના લાકડાનું વાવેતર કર્યું હતું. આ સાથે જ ખેતરમાં મધમાખીના ઉછેર માટે 50 બોક્સ પણ મૂક્યા જતાં. જેમાં તેઓ મધમાખીના મધનું વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે
જોકે, ખેતરમાં પાકના વાવેતરની સાથે મધમાખીના ઉછેર માટેની તાલીમ પણ તેઓએ ખાદીગ્રામ ઉધોગ ભવન-અમદાવાદ ખાતેથી લીધી હતી. છેલ્લા એક વર્ષમાં 3 હજાર કિલો જેટલું મધનું ઉત્પાદન મેળવીને તેનું વેચાણ કરી રહ્યા છે. આ મધનો ભાવ પ્રતિ કિલો 500થી 600 રૂપિયા મળી રહ્યો છે. આ મધનું વેચાણ તે રાજ્યના વિવિધ જિલ્લામાં કરે છે. એટલું જ નહીં, અન્ય ખેડૂતોને તેઓ મધમાખી ઉછેર કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે.