દુધરેજ સ્થિત પવિત્ર વડવાળા ધામ ખાતે કરાયું આયોજન
પરંપરાગત હોળી મહોત્સવ-2026’નો ભવ્ય પ્રારંભ કરાયો
800 વર્ષથી ચાલતી પરંપરા આજે પણ અવિરત યથાવત
પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ સહિતના મહંતોની ઉપસ્થિતિ
લાખો શ્રદ્ધાળુઓએ સમગ્ર વિસ્તારને ભક્તિમય બનાવ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ સ્થિત પવિત્ર વડવાળા ધામ ખાતે પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુની અધ્યક્ષતામાં 2 દિવસીય પરંપરાગત હોળી મહોત્સવ-2026’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ સ્થિત પવિત્ર વડવાળા ધામ ખાતે 2 દિવસીય પરંપરાગત હોળી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. વડવાળા દેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે યોજાયેલા ‘હોળી મહોત્સવ-2026’ પ્રસંગે શીતલ ગાયની યાદમાં નિર્મિત ‘શીતલ ગૌશાળા’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પાવન પ્રસંગે પ્રખ્યાત કથાકાર મોરારી બાપુ સહિત 250થી વધુ સંતો-મહંતો અને લાખો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિએ સમગ્ર વિસ્તારને ભક્તિમય બનાવ્યો હતો. દુધરેજનું વડવાળા દેવનું મંદિર વિશ્વભરમાં માલધારી અને રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે.
અખિલ ભારતીય રબારી સમાજની ધર્મગુરુ ગાદી તરીકે ઓળખાતી આ પવિત્ર ભૂમિ પર 800 વર્ષથી ચાલતી પરંપરા આજે પણ અવિરત યથાવત છે. ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે વડનું રોપણ કરવામાં આવ્યું હતું, અને માલધારી સમાજની દીકરીઓએ ગાયના દૂધથી તેનો ઉછેર કર્યો હતો. દૂધના અભિષેકથી ઉછેરાયેલા વડના આ પ્રસંગના આધારે ગામનું નામ ‘દુધરેજ’ રાખવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
આ ભવ્ય સમારોહમાં જગદગુરુ શંકરાચાર્ય, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી સહિત દેશભરના મહામંડલેશ્વરો, સંતો-મહંતો, સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.