સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ ચોટીલામાં 2 દિવસીય રાજ્યકક્ષાના 'ચોટીલા ઉત્સવ-2023'નો નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભારત વિશ્વભરમાં તેના ઉત્સવોની વિવિધતા માટે પ્રખ્યાત છે, અને ભારતવાસીઓ અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવો અનેરા ઉમંગ અને ઉત્સાહથી મનાવે છે, ત્યારે યાત્રાધામ ચોટીલા ખાતે દ્વિદિવસીય 'ચોટીલા ઉત્સવ-2023'નો શુભારંભ સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરના ગ્રૂપ દ્વારા રજૂ કરાયેલ અદભૂત ડાંડીયા રાસે ઉપસ્થિતજનોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. ભગિની સેવા ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા શૌર્યથી ભરપુર તલવાર રાસની રજૂઆતે પણ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
તો બીજી તરફ, વિજયવીર રાસ મંડળ, ભાવનગર દ્વારા કાઠિયાવાડી પહેરવેશ સાથે કાઠિયાવાડી અંદાજમાં રજૂ થયેલા કાઠીયાવાડી રાસ, લોકનૃત્યના પ્રકારોમાંથી એક પ્રાચીન પ્રકાર મંજીરા લોકનૃત્યને પઢાર મંજીરા રાસમંડળી, નાની કઠેચી દ્વારા થયેલી રજૂઆતે દર્શકોના મન જીતી લીધા હતા. આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા કલેકટર પી.એન.મકવાણા, ચોટીલા ધારાસભ્ય શામજી ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ જયદીપ પરમાર, ચોટીલા મંદિરના મહંત અમૃતગીરી બાપુ, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, નિવાસી અધિક કલેકટર દર્શના ભગલાણી, પ્રાંત અધિકારી પ્રિયંક ગલચર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.