-
પ્રાંત અધિકારીની કોલસાની ખાણો પર તવાઈ
-
ગેરકાયદેસર ધમધમતી 100થી વધુ ખાણો પર દરોડા
-
હજારો ટન કોલસાનો જથ્થો કરવામાં આવ્યો સીઝ
-
ખાણમાં કામ કરતા મજૂરોનું કરાયું રેસ્ક્યુ
-
તંત્રની કામગીરીને પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ
સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાન તાલુકાના જામવાડી અને ભડુલાની સીમમાંથી ગેરકાયદેસર ધમધમતી 100થી વધુ કોલસાની ખાણો પર રેડ કરવામાં આવી હતી,જેમાં હજારો ટન કોલસાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.જેના કારણે ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાનના જામવાડી અને ભડુલા ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર કોલસાની 100થી વધુ ખાણો પર રેડ કરવામાં આવી હતી. અને પ્રાંત અધિકારી દ્વારા રેડ કરી 2000 ટનથી વધુનો કોલસાનો જથ્થો,પાંચ ટ્રેક્ટર જનરેટર તેમજ કુવામાં વપરાતા અન્ય સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે દરોડા દરમિયાન પ્રાંત અધિકારીની ટીમ દ્વારા છ મજૂરોને રેસ્ક્યુ કરી કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ તમામ મુદ્દામાલનું વજન અને કિંમત કેટલી થાય છે, તે અંગેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ દરોડા દરમિયાન ચોટીલા અને થાન તાલુકાના રેવન્યુ તલાટી મૂળી,ચોટીલા થાનના મામલતદાર કચેરીનો સ્ટાફ સહિત 70 લોકોની ટીમ પ્રાંત અધિકારી દ્વારા બોલાવી સ્થળ પર સર્વે અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.અને કોલસાની ખાણમાં કામ કરતા મજૂરોને 800 થી 1000 રૂપિયા રોજના ચૂકવવામાં આવતા હતા,આ તમામ મજુર મધ્યપ્રદેશ અને યુપીના હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.પ્રાંત અધિકારીની કાર્યવાહીને પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.