Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : પોલીસ મથકમાં જ નિ:શુલ્ક કોચિંગ ક્લાસ શરૂ કરી યુવતીઓને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરાવતી થાન પોલીસ...

સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકો પછાત અને અવિકસીત તાલુકો ગણાય છે, ત્યારે આ વિસ્તારમાં રહેતી યુવતીઓ સરકારી નોકરી મેળવી પોતાના પગ પર ઉભી થઈ શકે

X

સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકો પછાત અને અવિકસીત તાલુકો ગણાય છે, ત્યારે આ વિસ્તારમાં રહેતી યુવતીઓ સરકારી નોકરી મેળવી પોતાના પગ પર ઉભી થઈ શકે તે માટે થાનગઢ પોલીસ દ્વારા અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં યુવતીઓ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી શકે તે માટે નિ:શુલ્ક કોચિંગ ક્લાસની શરૂઆત કરવામાં આવી છે. થાનગઢ પોલીસ મથકના પીઆઇ આઇ.બી.વલવી અને પોલીસ સ્ટાફ દ્વારા થાન પોલીસ મથકમાં આવેલ પોલીસ બેરેક હોલમાં જ યુવતીઓ માટે નિ:શુલ્ક કોચિંગ ક્લાસની શરૂઆત કરવામાં આવી છે. થાનગઢ તાલુકા મથક તો છે, પરંતુ અહી શિક્ષણ માટે પુરતી વ્યવસ્થા ન હોવાના કારણે યુવતીઓને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે કોચિંગ ક્લાસ કરવા 60થી 70 કિલોમીટર દૂર રાજકોટ કે, સુરેન્દ્રનગર જવુ પડે છે, જ્યાં 40થી 50 હજાર જેવી માતબર રકમ ભરી યુવતીઓ માટે કોચિંગ મેળવવું શક્ય નથી. આથી થાન પંથકની યુવતીઓ ઘરે બેઠા જ સ્પર્ધાત્મક પરિક્ષા અંગે કોચિંગ મેળવી તૈયારી કરી શકે તે માટે થાન પોલીસ દ્વારા દાતાઓના સહયોગથી નિ:શુલ્ક કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે.

તો બીજી તરફ, થાનગઢ પોલીસ મથકે ચાલતા નિ:શુલ્ક કોચિંગ ક્લાસમાં અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરથી તજજ્ઞો દ્વારા યુવતીઓને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. સાથે સાથે વાંચન માટે અંદાજે રૂપિયા 3થી 4ની કિંમતનું મટીરીયલ્સ પણ પોલીસ દ્વારા નિ:શુલ્ક આપવામાં આવે છે. થાન શહેરમાં સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે અન્ય કોઇ ક્લાસીસની સુવિધાઓ ન હોવાથી આ નિ:શુલ્ક કોચિંગ ક્લાસને શરૂઆતથી જ બહોળો પ્રતિસાદ મળ્યો છે, અને શરૂઆતના દિવસોમાં જ 100થી વધુ યુવતીઓ હાલ કોચિંગ ક્લાસમાં જોડાઇ ચુકી છે. સામાન્ય રીતે પોલીસ પ્રજાનો મિત્ર છે, તે સૂત્ર આપણે સાંભળ્યું છે. પરંતુ થાન પોલીસે સાચા અર્થમાં આ સુત્રને સાબિત કરી ચરીતાર્થ કર્યું છે. સાથે જ આ કોચિંગ ક્લાસમાંથી મહત્તમ યુવતીઓ સ્પર્ધાત્મક પરિક્ષામાં સફળતા મેળવી પોતાની કારકિર્દી ઉજવળ બનાવશે તેવી પોલીસ પરિવારને આશા છે.

Next Story