Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : મૈત્રી કરારનો કરૂણ "અંજામ", યુવતીના પરિજનોની ધમકીથી એક જ પરિવારના 3 સભ્યોએ મોતની સોડ તાણી લીધી...

X

ચુડા તાલુકાના ભગુપુર ગામમાં શોકની લાગણી ફેલાઇ

એક જ પરિવારના 3 સભ્યોના મોત મામલે ખળભળાટ

પોલીસે ભગુપુર ગામે દોડી આવી વધુ તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભગુપુર ગામે રહેતા યુવાને તેની સાળી સાથે મૈત્રી કરાર કરતા નારાજ યુવતીના પરિવારજનો દ્વારા યુવક અને તેના પરિવારજનોને ધમકી આપતા યુવક અને તેની માતાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે બીજા દિવસે યુવકના પિતરાઇ ભાઇએ પણ ટ્રેન નીચે પડતુ મુકી મોતને વહાલુ કરી લેતા ભગુપુર ગામ સહીત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ છે. ભગુપુર ગામના અને અમદાવાદ રહેતા લક્ષ્મણ પરમારે થોડા સમય અગાઉ તેની સાળી સાથે મૈત્રી કરાર કર્યા હતા. જે બાબત યુવતીના પરિવારજનોને પસંદ ન હતી, અને અમદાવાદ બાપુનગર પોલીસ મથકે ફરીયાદ પણ નોંધાવી હતી. પરંતુ યુવતીએ લક્ષ્મણ સાથે રહેવાનું પસંદ કરતા બન્ને ભગુપુર રહેવા આવી ગયા હતા. તેમ છતાં યુવતીના પરિવારજનો અવારનવાર ભગુપુર આવી લક્ષ્મણ અને તેના પરિવારને ધાકધમકી આપતા હતા તેમજ તેના ઘરમાં તોડફોડ કરી હતી.

યુવતીના પરિવારજનોના ત્રાસથી કંટાળીને લક્ષ્મણ તેમજ તેની માતા પ્રેમબેન બન્નેએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી, જેને લઇને લક્ષ્મણના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી ગયા હતાં અને આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી ન કરાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર પણ કરી દીધો હતો. જોકે, 2 મૃતદેહ હજુ હોસ્પિટલમાં જ હોય અને પરિવારજનો પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હતા તે દરમિયાન લક્ષ્મણના પિતરાઇ ભાઇએ પણ ટ્રેન નીચે પડતુ મુકી આત્મહત્યા કરી લેતા પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું. માત્ર 12 કલાકના સમયગાળામાં એક જ પરિવારના 3 સભ્યોએ આત્મહત્યા કરી લેતા નાના એવા ગામમાં સન્નાટો વ્યાપી ગયો છે. સમગ્ર મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા, લીંબડી ડીવાયએસપી, LCB અને SOG સહીતનો પોલીસ કાફલો ભગુપુર ગામે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

Next Story