તાપી : સરકારી શાળાના શિક્ષકે જ કરાવ્યુ પોતાનું અપહરણ, રાજસ્થાનથી મળી આવતા પોલીસ સમક્ષ કબુલાત...

શિક્ષકે જ પોતાનું અપહરણ થયાનું નાટક કરી પોલીસને ગુમરાહ કરી હતી.

New Update
તાપી : સરકારી શાળાના શિક્ષકે જ કરાવ્યુ પોતાનું અપહરણ, રાજસ્થાનથી મળી આવતા પોલીસ સમક્ષ કબુલાત...

તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા નજીકથી ગત તા. 5 એપ્રિલના રોજ સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હર્ષદ ગામીતનું અપહરણ થયું હતું. જેમાં તેમની જ કારમાં 4 અજાણ્યા ઈસમોએ અપહરણ કર્યું હોવાની શિક્ષકની પુત્રીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બનાવમાં નવો વળાંક સામે આવ્યો છે. જેમાં શિક્ષકે જ પોતાનું અપહરણ થયાનું નાટક કરી પોલીસને ગુમરાહ કરી હતી. ઘટનાની વિગતવાર વાત કરીએ તો, વ્યારા પોલીસ મથકે શિક્ષક હર્ષદ ગામીતની પુત્રીએ પોતાના પિતાનું અપહરણ થયું હોવાની ફરિયાદ આપતા વ્યારા પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી,

ત્યારે શિક્ષક રાજસ્થાનમાં હોવાનું બહાર આવતા તાપી પોલીસની ટીમ રાજસ્થાન પહોચી શિક્ષકને વ્યારા લઈ આવી હતી. આ મામલે શિક્ષક હર્ષદ ગામીતની વ્યારા પોલીસે વધુ પૂછપરછ કરતા શિક્ષકે પોતાનું અપહરણ અંગત કારણસર કરાવ્યુ હોવાનું ષડયંત્ર રચ્યું હતું. જેને લઈ પોલીસને ગુમરાહ કરવાનો ગુનો દાખલ કરી શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હર્ષદ ગામીતની પુત્રીએ અપહરણની ફરિયાદ કરતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી, ત્યારે તપાસના અંતે શિક્ષકે પોતાના જ અપહરણનું ષડયંત્ર રચ્યું હોવાનું બહાર આવતા એક શિક્ષક શાળાની જગ્યાએ પોલીસ સ્ટેશનમાં કેદ થઇ ગયો છે.