Connect Gujarat
ગુજરાત

તાપી : ડોસાવાડામાં ઝીંક પ્લાન્ટનો પ્રચંડ વિરોધ, પોલીસનો લાઠીચાર્જ જયારે લોકોનો પથ્થરમારો

ડોસાવાડામાં હિંદુસ્તાન કંપની નાંખી રહી છે ઝીંક પ્લાન્ટ, સોમવારના રોજ કંપનીએ રાખી હતી પર્યાવરણીય સુનાવણી

X

તાપી જિલ્લાના ડોસાવાડા ગામે હીંદુસ્તાન કંપનીના ઝીંક પ્લાન્ટ સામે લોકોનો વિરોધ સોમવારે જવાળામુખી બનીને ફાટી નીકળ્યો હતો. સોમવારે યોજાનારી પર્યાવરણી સુનાવણીનો સ્થાનિકોએ ભારે વિરોધ કરતાં મામલો બિચકયો હતો. ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો જયારે ટોળાએ પથ્થરમારો કરતાં અનેક વાહનોના કાચ તુટી ગયાં હતાં.

આદિવાસી સમાજનું બાહુલ્ય ધરાવતાં તાપી જિલ્લામાં હીંદુસ્તાન કંપની ઝીંક પ્લાન્ટ નાંખવા જઇ રહી છે. આ પ્લાન્ટ સામે ડોસાવાડા તેમજ આજુબાજુ આવેલાં 45થી વધારે ગામના રહીશો વિરોધ કરી રહયાં છે. પ્લાન્ટના કારણે પર્યાવરણ તેમજ ખેતીલાયક જમીનને નુકશાન થવાની દહેશત વ્યકત કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલાં 45 જેટલા ગામના સરપંચોએ ભેગા મળી પર્યાવરણીય સુનાવણી રદ કરવાની માંગણી કરી હતી પણ સોમવારના રોજ સુનાવણી યોજવામાં આવતાં મામલો બિચકયો હતો.

પર્યાવરણીય સુનાવણી રદ કરવા બાબતે સ્થાનિકોની રજુઆત હોવા છતાં પર્યાવરણી સુનાવણી રાખવામાં આવતાં જનઆક્રોશ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક લોકોએ કાળા વાવટા ફરકાવી ઝીંક પ્લાન્ટનો વિરોધ કર્યો હતો. ડોસાવાડામાં પ્લાન્ટ નહિ સ્થાપવા દેવા લોકો મકકમ જણાય રહયાં છે. આ વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યો પણ જોડાયાં હતાં. લોકોના વિરોધના પગલે ડોસાવાડા તેમજ આસપાસના વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો.

ભારે વિરોધના કારણે પર્યાવરણીય સુનાવણી રદ કરી દેવાય હતી. પ્લાન્ટનો વિરોધ કરી રહેલાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે લાઠીચાર્જ કરતાં અને ટીયર ગેસના સેલ છોડતાં સામે પક્ષે પથ્થરમારો થયો હતો જેમાં પોલીસના અનેક વાહનોના કાચ તુટયાં છે. ટોળાને કાબુમાં લેવામાં પોલીસને પરસેવા છુટી ગયાં છે. આમ લોકોના વિરોધને જોતા ઝીંક પ્લાન્ટના ભવિષ્ય સામે સવાલો ઉભા થયાં છે.

Next Story