તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચિમેર ગામ નજીક આવેલ ચિમેર ધોધ સીઝનમાં પ્રથમવાર પાણીથી સંપૂર્ણપણે છલકાય ઉઠ્યો છે, ત્યારે ચિમેર ધોધ હવે અહી આવતા પ્રવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
તાપી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદના પગલે સોનગઢ તાલુકાનો ચિમેર ધોધ ફરી જીવંત થયો હોય તેવા આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસાની સીઝનમાં વરસાદ શરૂ થતાં જ દક્ષિણ સોનગઢનો જંગલ વિસ્તાર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. સોનગઢ તાલુકા મથકેથી 35 કિમિના અંતરે દક્ષિણ સોનગઢના જંગલો વિસ્તાર અને ડાંગ જિલ્લાની બોર્ડર પર આવેલો ચિમેર ધોધ નવા નીરની આવક થતાં છલકાય ઉઠ્યો છે.
આશરે 200 ફૂટથી પણ વધુની ઉંચાઈથી પડી રહેલા ધોધનો પ્રવાહ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જોકે, પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ચિમેર ધોધ સુધી પોહચવા પાકો રસ્તો ન હોવાથી પ્રવાસીઓએ પગપાળા જવું પડે છે, ત્યારે હવે તંત્ર દ્વારા ચિમેર ધોધને પ્રવાશન ધામ તરીકે વિકસાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.