અંકલેશ્વર હસ્તી તળાવ નજીક ગુજરાત હાઉસીંગ બોર્ડના જર્જરિત 15 બ્લોકના 180 મકાન ધારકો સામે તવાઈ

સ્થાનિકોએ આજીજી કરી 15 દિવસની મુદ્દત માંગતા અંતે આગામી 15 દિવસમાં સમારકામ કરી લેવાનો સમય આપ્યો હતો. જોકે, આ 15 દિવસ પૂર્વે વિભાગ દ્વારા 10માં દિવસે સ્થળ નિરીક્ષણ કરશે.

author-image
By Connect Gujarat Desk
New Update

હસ્તી તળાવ નજીક ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે કાર્યવાહી

 જર્જરિત 15 બ્લોકના 180 મકાન ધારકો સામે તવાઈ બોલાવી

 છેલ્લા 2 વર્ષથી નોટિસની અવગણના થતાં આખરે કાર્યવાહી

 પાણી, લાઈટ, ડ્રેનેજ કાપવાની શરૂઆતથી રહીશો દોડતા થયા

 15 દિવસની મુદ્દત અપાયા બાદ હાલ તો મામલો થાળે પડ્યો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના 15 બ્લોકમાં 180 મકાન ધારકોને છેલ્લા 2 વર્ષથી જર્જરિત ભાગ ઉતારી લેવા અથવા રીપેર કરાવી લેવાની તાકીદ કરી હતી. જોકે, આ તાકીદ અને નોટિસને હળવાશથી ન લઇ અનદેખી કરતા આજરોજ સ્થાનિકોને દોડતા થવું પડ્યું હતું. ગુજરાત હાઉસિંગ રોડ વડોદરાના કાર્યપાલક ઈજનેર અમિત મેનગઢ, જાગીર વ્યવસ્થાપક કે.બી.પટેલ, અંકલેશ્વર નગરપાલિકાના ઓફિસ સુપ્રિટેન્ડન્ટ અરુણ ઓઝા, અને નગરપાલિકા ઈજનેર સ્નેહલ પટેલ સહિત દક્ષિણ ગુજરાત વીજ નિગમ અને શહેર પોલીસ ટીમ  આવી પહોંચી હતી. જેમાં 180 મકાનના પાણી, ડ્રેનેજ અને લાઈટ ના જોડાણ કાપવાની શરૂઆત કરી હતી. અચાનક તંત્ર દ્વારા શરુ થયેલ કાર્યવાહીથી સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી.

જોકે, મકાન પર આવેલ કાર્યવાહી કરવા માટે અંતે તેઓ દ્વારા અધિકારીઓ સાથે મેરેથોન વાતચીત શરૂ કરી હતી, આ સાથે જ સ્થાનિકોએ આજીજી કરી 15 દિવસની મુદ્દત માંગતા અંતે આગામી 15 દિવસમાં સમારકામ કરી લેવાનો સમય આપ્યો હતો. જોકે, આ 15 દિવસ પૂર્વે વિભાગ દ્વારા 10માં દિવસે સ્થળ નિરીક્ષણ કરશે.

છતાં પણ જો સમારકામ કે અન્ય કામગીરી નજરે ન પડશે તો 15 દિવસ બાદ પાણી, ડ્રેનેજ અને વીજ જોડાણ કાપી નાખી મકાન ખાલી કરવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી. લેખિત બાંહેધરી બાદ સમગ્ર મામલો હાલ તો થાળે પડ્યો છે, ત્યારે રહીશોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની કાર્યવાહીથી હાલ તો ફફડાટ ફેલાયો છે. આ ઇમારતોમાં કેટલાક મકાનો ખાલી પણ છે, ત્યારે આવા મકાન માલિકોને પણ આ અંગે આખરી તાકીદ કરી દેવામાં આવી છે.

Latest Stories