સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાંખરી ગામે ચિત્ર-વિચિત્ર ભાતીગળ લોકમેળો ભરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં આદિજાતિ સમાજ સહિત અન્ય સમાજના લોકો ઉમટી પડ્યા હતા. સાબરકાંઠાના પોશીનાના દેલવાડા પાસે ગુણભાંખરીમાં સાબરમતી અને આકળ વાકળ એમ ત્રણ નદીઓનું સંગમ સ્થાન છે. સંગમસ્થાનનું અહીંના આદિવાસીઓમાં વિશેષ મહત્વ છે. સંગમસ્થાને આદિવાસી સમાજનો મહત્વનો ચિત્ર-વિચિત્રનો મેળો સાબરકાંઠા જ નહીં આખા ગુજરાતમાં જાણીતો છે.
ચિત્ર-વિચિત્રનો મેળો હોળીના તહેવાર પછી 15માં દિવસે ઉજવાય છે. 2 દિવસ ચાલનારા મેળામાં અંબાજી, દાંતા, પોશીના, રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો તથા અરવલ્લી ગિરીકંદરામાં વસતા વનબાંધવો આ મેળામાં સહપરીવાર સાથે ઉમટી પડે છે, જ્યાં પૂર્વજોની શ્રાધ્ધ વિધી તેમજ અસ્થિ વિસર્જનની અંતિમ ક્રિયાઓ પણ કરવામાં આવે છે. પ્રાચીન કાળથી આદિવાસી સમાજના લોકો પોતાના પૂર્વજોને આ ત્રિવેણી સંગમ સ્થળે યાદ કરે છે.
મહાભારત કાલીન પ્રાચીન સ્થળ એવા ગુણભાંખરી ગામે આદિજાતિ લોકોનો ભાતીગળ મેળો યોજાયો હતો. આકુળ-વ્યાકુળ અને સાબરમતીના ત્રિવેણી સંગમે પૈતૃકના અસ્થિ વિસર્જન કરી સ્વજનોની યાદમાં હૈયાફાટ રૂદનથી આક્રંદ તેમને શ્રધ્ધાજંલિ અર્પણ કરી હતી. ભાતીગળ મેળામાં યુવાનો અને યુવતીઓ મોજમાણી કરી મનના માણીગરને શોધીને સંસારમાં પ્રભુતા પગલા માંડતા હોવાની પણ માન્યતા રહેલી છે. આ પ્રાચીન મેળામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના આંતર રાજ્યો અને આસપાસના બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ સહિતના આદિજાતી લોકો ઉમટી આવે છે.