/connect-gujarat/media/post_banners/9205d5b2824d3793c088c2128839289d028dfc11933568646c72f8cb873c6cd8.webp)
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે મુલાકાત કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી પરત આવી ચૂક્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિલ્હી પ્રવાસને લઈને ગઈકાલે કબિનેટની બેઠક રદ્દ કરવામાં આવી છે. તેથી હવે આજે એટલે કે ગુરુવારે કેબિનેટની બેઠક યોજાશે.
આજની કેબિનેટની બેઠકમાં 100 દિવસના સરકારના એજન્ડા પર ચર્ચા થશે. સાથે જ વિદેશમાં વધતા કોરોના કેસો વચ્ચે રાજ્યની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. ગાંધીનગર ખાતે યોજાવા જઈ રહેલી બેઠકમાં પ્રથમ સપ્તાહમાં મંત્રીઓ દ્વારા થયેલી વિભાગવાર સમીક્ષાની વિગતો રજૂ કરાશે. આ બેઠકમાં નિતિ વિષયક બાબતો પર ચર્ચા કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યમંત્રી તરીકે બીજીવાર પદ સંભાળ્યા બાદ આજે 22મી ડિસેમ્બર 2022ના રોજ રાજ્ય 'સ્વાગત'માં પ્રજાજનો-નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોના પ્રશ્નો-રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી નિવારણ માટે શરૂ કરેલા 'સ્વાગત' - સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રૂ એપ્લિકેશન ઓફ ટેકનોલોજીની પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સફળતાપૂર્વક આગળ ધપાવી છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રી આજે બપોરે 3 કલાકે મુખ્યમંત્રીના જનસંપર્ક કક્ષ, સ્વર્ણિમ સંકુલ-2 ખાતે યોજાનારા રાજ્ય 'સ્વાગત' કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નાગરિકો-પ્રજાજનોની રજૂઆતો સાંભળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ગુરુવારે રાજ્ય 'સ્વાગત'માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે, નવી સરકારનો પ્રથમ 'સ્વાગત' કાર્યક્રમ આજે એટલે કે 22મી ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાશે