Connect Gujarat
ગુજરાત

કોરોના મૃતકોના પરિજનોને ગુજરાત સરકાર રૂ. 4 લાખની સહાય ચૂકવે તે માટે કોંગ્રેસ આવ્યું મેદાને.

ભરૂચ, વડોદરા, બનાસકાંઠા અને તાપી સહિતના અન્ય જિલ્લાઓમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું

X

સમગ્ર ગુજરાતમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલ લોકોના પરિજનોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય ચૂકવવામાં આવે તે માટે કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે. ભરૂચ, વડોદરા, બનાસકાંઠા અને તાપી સહિતના અન્ય જિલ્લાઓમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારીના અસરગ્રસ્ત લોકોને મદદ કરવાના ઉદ્દેશ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જ્યાં વર્તમાન સરકાર અને તંત્ર પર આકરા પ્રહાર અને આક્ષેપ કરતાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખે જણાવ્યુ હતું કે, ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાઓના આંકડાઓ છુપાવીને પોતાની નિષ્ફળતા છુપાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, ત્યારે સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારોને ફટકાર લગાવી કોરોના મહામારીમાં સાચા મૃત્યુઆંક દર્શાવવા ટકોર કરી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા કોરોના માહમારીમાં મૃત્યુ પામેલ મૃતકના પરિજનોને આર્થિક સહાયરૂપે રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પત્રકાર પરિષદ દરમ્યાન જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાળા, નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પણ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે વડોદરા ખાતે કોગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસ પાર્ટી 125 બેઠકો પર જીત મેળવશે. કોગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, જે પરિવારે કોરોનામાં સ્વજન ગુમાવ્યા છે, તેમના પરિવારમાંથી ટિકિટ આપવામાં આવશે. ઉપરાંત કોંગ્રેસ હાઈકમાન્ડચૂંટણી પહેલાં પોતાના મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર પણ કરી શકે છે. કોરોનામા મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને રૂપિયા 4 લાખ વળતર આપવા કોગ્રેસ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે. સરકાર વળતર આપી કોઇ ઉપકાર કરતી નથી, તેમ સર્વોચ્ચ અદાલતે પણ જણાવ્યું છે, ત્યારે સરકારે કોરોનાની વર્તમાન સ્થિતીને ધ્યાનમાં લઈને લોકોની શક્ય તેટલી મદદ કરે તેવી કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ પણ પાલનપુર ખાતે પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કોરોનામાં મૃત્યુ પામનારા લોકોના પરીવારજનોને માત્ર 50 હજારની સહાય જાહેર કરી ગુજરાતની જનતાની મજાક ઉડાવી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો. એટલું જ નહીં, બનાસકાંઠા જિલ્લામાંથી આવેલી અરજીઓમાંથી પણ 1500 જેટલી અરજીઓને સરકારે ટેક્નિકલ કારણો બતાવી નામંજૂર કરી દીધી છે. જે અંગે કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ દિનેશ ગઢવીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ગુજરાતની જનતાને આ મુદ્દે ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસના તમામ કાર્યકરોએ પોતાની લડત ચલાવવા ચીમકી ઉચ્ચારી હતી.

સમગ્ર દેશ સહિત દુનિયાને હમમચાવી નાખનાર કોરોના મહામારીમાં અસંખ્ય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે કોરોના કાળમાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોને તાત્કાલિક ધોરણે 4 લાખ રૂપિયાની સહાય મળે તે માટે તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે કોંગ્રેસ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરીની આગેવાનીમાં પત્રકાર પરિષદ યોજાય હતી. ડો. તુષાર ચૌધરીએ પત્રકારોને સંબોધતા જણાવ્યુ હતું કે, સરકારી ચોપડે કોરોના કાળ દરમ્યાન મૃત્યુ પામેલ લોકોની સંખ્યા માત્ર 10 હજાર દર્શાવાય છે, જ્યારે 60 હજાર લોકોને સહાય ચૂકવવામાં આવી છે, ત્યારે હવે રાજ્યભરમાં કોરોનામાં મૃત્યુ પામેલ અન્ય લોકોના પરિજનોને પણ વહેલી તકે સહાય ચૂકવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.

Next Story
Share it