લખતર અને ધાંગધ્રાના 6 ગામોમાં વધ્યો ઘુડખરનો ત્રાસ
પાકમાં નુકશાન થતાં ખેડૂતોએ શરૂ કર્યું ઉપવાસ આંદોલન
‘ઘુડખર ભગાવો, ખેતી બચાવો’ના નારા સાથે ઉગ્ર વિરોધ
ખેતરમાં ઘુડખરો ખેડૂતોના ઉભા પાકો ચરી જતાં નુકશાન
તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા ખેડૂતોની માંગ
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર અને ધાંગધ્રા તાલુકાના 6 ગામોમાં ઘુડખરો ખેડૂતોના ઉભા પાકને મોટું નુકશાન પહોચાડી રહ્યા છે, ત્યારે આ મામલે ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કરી વહીવટી તંત્ર તેમજ વન વિભાગના અધિકારીઓની આંખો ઉઘાડવાનો પ્રયાસ કર્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર અને ધાંગધ્રા તાલુકાના 6 ગામોમાં ઘુડખરનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે. જેને લઇને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા 3 વર્ષથી ખેડૂતો વહીવટી તંત્ર અને વન વિભાગને રજૂઆત કરી રહ્યા છે. તેમ છતાં પણ તેમની રજૂઆત ધ્યાને લેવામાં નથી આવતી. આ મામલે હવે લખતર અને ધાંગધ્રા તાલુકાના 6 ગામના ખેડૂતોએ“ઘુડખર ભગાવો, ખેતી બચાવો”ના નારા સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. જેને લઇને તંત્રની દોડધામ મચી જવા પામી છે. ધણાદ, પેઢડા, અંકેવાળીયા, વણા, ગંજેડા અને દુમાણા ગામના ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કરી ઘુડખર માટે યોગ્ય વ્યવસ્થા થાય તે પ્રકારની માંગ કરી છે.
જોકે, દર વર્ષે ખેડૂતો મોંઘુ બિયારણ, મોંઘી મજૂરી અને મોંઘુ ડીઝલ બાળીને ખેતી કરતા હોય છે, ત્યારે ઘુડખરો ઉભા પાકો ચરી જતા ખેડૂતોને લાખો રૂપિયાનુંનુકસાન વેઠવાનો વારો આવે છે. વન વિભાગ સહિત ધારાસભ્યને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. એક તરફ, બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખર અભ્યારણ પાછળ તંત્ર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ આ જ ઘુડખર ગામની સીમમાં પહોંચી ખેડૂતોના ખેતરો ચરી જાય રહ્યા છે. જેથી તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.