રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જમીન રી સર્વે અને વાંધા અરજી આપવાની મુદ્દતમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ મુદ્દત આવતીકાલે એટલે કે 31 ડિસેમ્બર 2024ના રોજ પૂરી થતી હતી, જેને હવે વધારીને 31 ડિસેમ્બર 2025 કરવામાં આવી છે.
રાજ્યમાં ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ્ઝ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ 33 જિલ્લાઓમાં ખેતીની જમીનની માપણી અને પ્રમોલગેશનની કામગીરી ચાલી રહી છે. પ્રમોલગેશન પછી, ખાતેદારો દ્વારા રેકોર્ડમાં ક્ષતિઓ સુધારવા માટે રજૂઆતો આવે છે. આ ક્ષતિઓ સુધારવા માટે, જમીન મહેસૂલ અધિનિયમની કલમ ૨૦૩ હેઠળ અપીલ કરવાની જોગવાઈ છે, જેમાં સમય અને ખર્ચનો વ્યય થતો હતો.
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, સરકારે સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડ્ઝને સાદી અરજી દ્વારા ક્ષતિઓનો નિકાલ કરવાની સત્તા આપી છે. અગાઉ, આ અરજી કરવાની છેલ્લી તારીખ 31/12/2024 હતી, જેને હવે વધારીને 31/12/2025 કરવામાં આવી છે.
આ નિર્ણયનો મુખ્ય હેતુ ખેડૂતોને ક્ષતિઓ સુધારવામાં થતી હેરાનગતિ અને વકીલ ફી જેવા ખર્ચથી બચાવવાનો છે. હવે ખેડૂતો પાસે અરજી કરવા માટે પૂરતો સમય હશે.