ભારતીય સંસ્કૃતિનું ઐતિહાસિક નગર એવું વડનગર
વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનો ભવ્ય શુભારંભ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શુભારંભ કરાયો
2 દિવસીય કાર્યક્રમમાં લોકસંગીતના કાર્યક્રમો રજૂ થશે
પ્રસિદ્ધ કલાકારો દ્વારા શાસ્ત્રીય ગાયન-વાદનનું આયોજન
ભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક નગર એવા મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દ્વિદિવસીય તાના-રીરી મહોત્સવનો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 2 દિવસીય તાના-રીરી મહોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા કલાપિની કોમકલીને પ્રતિષ્ઠિત તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ પ્રદાન કર્યો હતો. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડનગરના પુરાતન વારસાને પુનઃ જીવિત કરવાની નીતિઓની સરાહના કરી હતી.
ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની પુત્રીઓ તાના અને રીરીએ સંગીત સમ્રાટ તાનસેનના દીપક રાગથી ઉત્પન્ન થયેલા દાહને મલ્હાર રાગ ગાઈને શાંત કર્યો હતો, અને તેમની કલાના સન્માન ખાતર આત્મબલિદાન આપ્યું હતું. તેની યાદમાં આ મહોત્સવ યોજાય છે. તા. 22 અને 23 નવેમ્બર સુધીના 2 દિવસીય કાર્યક્રમમાં સંધ્યા સમયે શાસ્ત્રીય ગાયન, વાદન અને લોકસંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.