કચ્છનું સફેદ રણ ફરી એકવાર પ્રવાસીઓને આવકારવા તૈયાર
કચ્છનું સફેદ રણ પર રણ ઉત્સવ 2025-26 સંપૂર્ણપણે તૈયાર
સ્મૃતિ વન ભૂકંપ મ્યુઝિયમ લાખો પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર
રણ ઉત્સવમાં સાંસ્કૃતિક પરંપરા તથા સ્થાનિક વાનગીનો સ્વાદ
જાદુઈ રણનો અનુભવ કરવા લાખો સહેલાણીઓમાં આતુરતા
'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા'ની ઓળખ ધરાવતો સફેદ રણ વિસ્તાર માત્ર તેની કુદરતી સુંદરતા માટે જ નહીં, પણ પુનર્નિર્માણની અદ્ભુત ગાથા માટે પણ જાણીતો છે. વર્ષ 2001ના ભૂકંપ પછી, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રણ ઉત્સવ શરૂ કરીને કચ્છને વૈશ્વિક પ્રવાસન નક્શા પર મુક્યું છે. વિનાશમાંથી વિકાસ તરફની આ પ્રેરણાદાયી સફરને હવે સ્મૃતિ વન ભૂકંપ મ્યુઝિયમ પણ ઉજાગર કરવામાં આવ્યું છે. માઈલો સુધી પથરાયેલું કચ્છનું સફેદ રણ, ઊંટની સવારી અને કચ્છની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા તથા સ્થાનિક વાનગીઓનો સ્વાદ આ બધું જ રણ ઉત્સવને ખાસ બનાવે છે.
દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ આ અદ્ભુત અનુભવ લેવા માટે ખૂબ જ ઉત્સાહિત હોય છે. કચ્છની આ પરિવર્તનની સફર અકલ્પનીય રહી છે. વર્ષ 2005માં શરૂ થયેલો રણ ઉત્સવ આજે કચ્છને ભારત જ નહીં, પણ દુનિયાના પ્રવાસનનું એક વિશેષ કેન્દ્ર બનાવી ચૂક્યો છે. અહીંનું સ્મૃતિ વન ભૂકંપ મ્યુઝિયમ ભૂકંપની વિનાશકતા અને ત્યારબાદના અસાધારણ વિકાસને રજૂ કરે છે. જે દરેક પ્રવાસીને માનવ ભાવનાની તાકાતનો અહેસાસ કરાવે છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, રણ ઉત્સવ 2025-26 સંપૂર્ણપણે તૈયાર છે, અને ગત વર્ષની જેમ આ વર્ષે પણ લાખો પ્રવાસીઓને 'અનફર્ગેટેબલ મેમરીઝ' આપવા માટે સજ્જ છે. પૂનમની રાતે સફેદ રણનો નજારો, ધોરડો તેમજ કાળો ડુંગર પર્યટકોને અનોખી અનુભૂતિ કરાવે છે.આ ઉપરાંત લખપતનું ગુરદ્વારા, કોટેશ્વર મહાદેવ અને આશાપુરા માતાજીનું મંદિર જેવાં સ્થળો પણ જોવાનું પર્યટકો ચૂકતાં નથી.તો, ત્યારે આ જાદુઈ રણનો અનુભવ કરવા માટે લાખો સહેલાણીઓ અને પર્યટકોમાં આતુરતા જોવા મળી છે.