ગરવા ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી
ગિરનાર સીડી વેપારી એસોસિએશને નોંધાવ્યો વિરોધ
ગિરનાર વેપારી એસોસિએશન દ્વારા 4 દિવસથી હડતાળ
તંત્ર દ્વારા વેપારીઓને ટેટ્રા પેકમાં પાણી વેચવાની મંજૂરી
વિકલ્પ સ્વીકારી લઈ વેપારીઓએ પોતાની હડતાળ સમેટી
જુનાગઢના ગરવા ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી વચ્ચે ટેટ્રા પેકમાં પાણી વેચાણનો વિકલ્પ સ્વીકારી લેતા ગિરનાર સીડી વેપારી એસોસિએશન દ્વારા પોતાની હડતાળ સમેટી લેવામાં આવી છે. જુનાગઢના ભવનાથ ગિરનાર સીડી વેપારી એસોસિએશન દ્વારા યાત્રાળુઓને પીવાનું પાણી પૂરું પાડવા મામલે અને પર્યાવરણ બચાવવા પ્લાસ્ટિક પ્રતિબંધ મુદ્દે હડતાળ યોજી તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ સાથે જ વેપારીઓએ પોતાના વેપાર-ધંધા બંધ રાખવાની ફરજ પડી હતી.
આગામી મહાશિવરાત્રીના મેળામાં પીવાના પાણી અને વેપારીઓ પર થતી જોહુકમી તાકીદે બંધ કરવામાં આવે તેવું ગિરનાર સીડી વેપારી એસોસિએશને જણાવ્યુ હતું, ત્યારે સમગ્ર મામલે જુનાગઢ વહીવટી તંત્રએ ગિરનાર સીડી વેપારી એસોસિએશનના હિતમાં નિર્ણય લીધો છે. જેમાં તંત્ર દ્વારા વેપારીઓને ટેટ્રા પેકમાં પાણી વેચાણનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જેને ગિરનાર સીડી વેપારી એસોસિએશન દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. જેથી સુખદ નિર્ણય આવતા ગિરનાર સીડી પરના વેપારીઓએ છેલ્લા 4 દિવસથી યોજેલી પોતાની હડતાળ સમેટી લઈ આજથી દુકાનો ખોલી રોજગાર-ધંધા શરૂ કર્યા હતા. તો બીજી તરફ, આગામી દિવસોમાં ગિરનાર સીડી અને પર્વત પર સફાઈકર્મીઓ ફાળવવામાં આવે તેવી પણ વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવનાર છે.