ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામની હૃદયદ્રાવક ઘટના
ખુલ્લા કૂવામાં ડૂબી જવાથી 2 બાળકોના કરૂણ મોત થયા
3 વર્ષીય બાળકી - 5 વર્ષીય બાળકનું ડૂબી જવાથી મોત
ભાઈ-બહેનના મોત નિપજતાં પંથકમાં ગમગીની વ્યાપી
ગ્રામ પંચાયતની બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ
મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામના આંબલી ફળિયામાં રહેતા ગોવિંદ ગણાવાની 3 વર્ષીય પુત્રી આરાધના અને 5 વર્ષીય પુત્ર રોનક ગતરોજ સાંજથી ગુમ થયા હતા. પરિવારે આસપાસના ખેતરો અને ફળિયામાં શોધખોળ કરી હતી, પરંતુ બાળકોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ ગરબાડા પોલીસને જાણ કરવામાં આવી હતી. તો બીજી તરફ, બીજા દિવસે વહેલી સવારે પરિવારના રહેઠાણ પાછળ આવેલા ખેતરો નજીકના ખુલ્લા કૂવામાંથી પ્રથમ 3 વર્ષીય આરાધનાનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં ગરબાડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જ કૂવામાંથી પાણી કાઢવા માટે મશીનનો ઉપયોગ કરીને સઘન તપાસ કરતા 5 વર્ષીય રોનકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. હૃદયદ્રાવક ઘટનામાં 2 ભાઈ-બહેનના મોત નિપજતાં સમગ્ર ગામમાં ગમગીની વ્યાપી ગઈ છે.
બન્ને બાળકોના મૃતદેહને નવાફળિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માસૂમ બાળકો માટે 'મોતનું પાંજરું' સમાન બનતા ખુલ્લા અને બિનસુરક્ષિત કૂવા અંગે તંત્ર અને ગ્રામ પંચાયતની બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.