Connect Gujarat
ગુજરાત

જામનગરના જાંબુડા ખાતે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાય

જામનગરના જાંબુડા ખાતે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાય
X

ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ'થી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે જામનગર જિલ્લાના જાંબુડા ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિવિધ ૧૭ જેટલી યોજનાઓના લાભો લાભાર્થીઓને સ્થળ પર જ વિતરિત કરાયાં હતા.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના તમામ ગામો તથા શહેરોમાં આ યાત્રાના માધ્યમથી વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભો અપાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દેશના તમામ નાગરિકોને પોતાનો પરિવાર માને છે અને તેથી જ તેમના નેતૃત્વ હેઠળ સરકાર તમામ નાગરિકોને શ્રેષ્ઠ શિક્ષણ, વીજળી, પાણી, આરોગ્ય, રોજગારી, માળખાકીય સુવિધાઓ વગેરે મળી રહે તેની સતત ચિંતા કરે છે. અને તેથી જ દરિદ્ર નારાયણની સેવામાં સમગ્ર દેશમાં ભ્રમણ કરી આ યાત્રા સર્વેને લાભાન્વિત કરે તેવું ઉમદા આયોજન તેઓએ ઘડી કાઢ્યું છે. મંત્રી આ તકે સૌ ગ્રામજનોને વધુમાં વધુ સરકારી યોજનાઓનો લાભ લેવા તેમજ અન્યોને પણ આ લાભો અપાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 2047 ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સહભાગી બનવા આહવાન કર્યું હતું.

ઉપસ્થિત મહાનુભવોને શાબ્દિક સ્વાગત વડે આવકારતાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓના લાભો લોકોના ઘર આંગણે પહોંચાડવા તથા સરકારની વિવિધ યોજનાઓની સરળ જાણકારી લોકો સુધી પહોંચે તે હેતુથી આ યાત્રાનું આયોજન હાથ ધરાયું છે.વિવિધ સરકારી યોજનાઓની જાણકારી લઈ વધુમાં વધુ યોજનાઓનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો.

આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્યનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું તેમજ વિડિયો સંદેશ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.તેમજ સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષમાન કાર્ડ, પ્રાકૃતિક ખેતીના લાભ, પૂર્ણાં યોજના, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના, અન્નપૂર્ણા યોજનાના મંજૂરી પત્ર સહિત ૧૭ જેટલી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવો દ્વારા લાભ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જાંબુડા તાલુકા શાળાના વિદ્યાર્થીઓએ સુંદર સ્વાગત ગીત, પર્યાવરણ જાણવણીનો સંદેશ આપતું નાટક તથા પ્રાકૃતિક ખેતી અંગે પ્રેરણા આપતી 'ધરતી કહે પુકાર કે' નામક મનમોહક કૃતિ રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરીદેવભાઈ ગઢવીએ કર્યું હતું જ્યારે કાર્યક્રમની આભારવિધિ તાલુકા વિકાસ અધિકારી સરવૈયાએ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ હસમુખભાઈ કણઝારીયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન આઘેરા, કેશુભાઈ લૈયા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ, આગેવાન સર્વ કુમારપાલસિંહ રાણા, મુકુંદભાઈ સભાયા, મહેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ બોરસદીયા, મામદભાઈ પતાણી, વિઠ્ઠલભાઇ માંડવીયા, ડી.આર.ડી.એ. નિયામક એન.એફ.ચૌધરી, સહિત આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story