વડોદરા રેલવે સ્ટેશન પરની પાર્સલ ઓફિસમાં મોકલવામાં આવતા પાર્સલોમાં દારૃ મોકલવાના નેટવર્કનો રેલવે પોલીસે પર્દાફાશ કર્યો હતો. થર્મોકોલના બોક્સમાંથી એક દારૃની બોટલ લીક થઇ તેની સાથે જ દારૃનો જથ્થો પોલીસે ઝડપી પાડી પાર્સલ કોન્ટ્રાક્ટરની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે બાન્દ્રા-ભૂજ સ્પેશિયલ ટ્રેન બપોરે વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યા બાદ રેલવે પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી. દરમિયાન પાર્સલ ઓફિસમાં પાર્સલોનું લોડિંગ અને અનલોડિંગ કામ કરતો કોન્ટ્રાક્ટર દિપસિંગ શિવનાથસિંગ ભદોરીયા (રહે.સ્વામી વિવેકાનંદ હાઇટ્સ, લક્ષ્મીપુરારોડ, ગોરવા) ટ્રોલીમાં થર્મોકોલના બોક્સો લઇને જતો હતો ત્યારે એક બોક્સમાંથી લિકેજ થયેલું પ્રવાહી બહાર પડયું હતું અને અંદરથી આલ્કોહોલની વાસ આવતા પોલીસને શંકા ગઇ હતી.પોલીસે કોન્ટ્રાક્ટરને રોકી બોક્સમાં તપાસ કરતાં દારૃની બોટલો મળી હતી. આ સાથે જ પોલીસે દિપસિંગની અટકાયત કરી હતી અને થર્મોકોલના ૩૫ બોક્સો કબજે કરી તપાસ કરતાં દરેક બોક્સમાં દારૃ અને બીયરની બોટલો મળી હતી. પોલીસે રૃા.૩.૩૩ લાખ કિંમતની ૨૪૮૪ બોટલો કબજે કરી હતી. આ પાર્સલ મોકલનારમાં મુંબઇના તિમિર નામના શખ્સનો ઉલ્લેખ હતો તેમજ લેનારમાં પણ તેનું જ નામ હતું. પોલીસે ખરેખર દારૃ કોણે મોકલ્યો તેમજ કોને મંગાવ્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.