Connect Gujarat
ગુજરાત

વડોદરા: પોલીસે વેશ બદલીને ઓરિસ્સાના ગામમાંથી દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો, સાથે એક ઠગ પણ ઝડપાયો

વડોદરા: પોલીસે વેશ બદલીને ઓરિસ્સાના ગામમાંથી દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો, સાથે એક ઠગ પણ ઝડપાયો
X

વડોદરાની જેલમાંથી પેરોલ પર છૂટયા બાદ એક વર્ષથી ફરાર બળાત્કારના આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓરિસ્સાના અંતરિયાળ ગામમાં જોખમી કામ પાર પાડયું હતું. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે વર્ષ-૨૦૧૬માં એક સગીર કન્યાનું અપહરણ કરવાના કેસમાં રણજિત ઉર્ફે પપ્પુ મનોરંજન બહેરા(અલ્ટ્રા ટાઉનશિપ,માણેજા,વડોદરા)ને બળાત્કારના કેસમાં કોર્ટે સજા કરી હતી.

બળાત્કારની સજા ભોગવતા કેદી રણજિતે તા.૧૦-૯-૨૧ના રોજ ૧૪ દિવસની પેરોલ રજા મેળવી હતી.પરંતુ ત્યારબાદ તા.૨૫મીએ હાજર થયો નહતો.જેથી જેલ સત્તાધીશોએ તેની તપાસ કરવા માટે પોલીસને જાણ કરી હતી.ક્રાઇમ બ્રાન્ચના પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ કે જે વસાવા અને ટીમે કેદી પર લાંબા સમયથી વોચ રાખતાં તે ઓરિસ્સાના બલેશ્વર જિલ્લાના અંતરિયાળ કનકઇ ગામે એક સબંધીને ત્યાં છુપાયો હોવાની વિગતો મળી હતી.જેથી પોલીસની ટીમ કનકઇ ગામે પહોંચી હતી.

સ્થાનિક લોકોમાં ગેરસમજ ના થાય તે માટે પોલીસે ત્યાંના શ્રમજીવીઓનો વેશ ધારણ કર્યો હતો અને ફોટો સાથે રાખી રણજિત પર વોચ રાખી હતી.રણજિત ઓળખાઇ જતાં પોલીસે તક જોઇને તેને દબોચી લીધો હતો અને ગામલોકોમાં ગેરસમજ થાય તે પહેલાં તેને તાલુકાના પોલીસ મથકે લઇ જઇ વડોદરા લવાયો હતો.

બળાત્કારીને લઇ પરત ફરતાં મધ્યપ્રદેશની હોટલમાંથી વડોદરાનો ઠગ પકડાયો

ઓરિસ્સામાંથી બળાત્કારના આરોપીને પકડી પરત ફરતી પોલીસને રસ્તામાં મધ્યપ્રદેશની હોટલમાંથી વડોદરાના એક ઠગને ઝડપી પાડવાની વધુ એક સફળતા મળી હતી.

ઓરિસ્સામાં બળાત્કારના આરોપીને પકડયા બાદ પેરોલફર્લો સ્કવોડના પીએસઆઇ અને ટીમ પરત ફરી રહ્યા હતા ત્યારે મધ્યપ્રદેશના માલવીયાનગર ખાતેની શ્રી પેલેસ હોટલમાં માંજલપુરના છેતરપિંડીના ગુનાનો પાંચ વર્ષથી ફરાર આરોપી નૈરિશ હરેન્દ્રભાઇ ઝવેરી(યોગીકૃપા સોસાયટી, સીતાબાગ,માંજલપુર) છુપાયો હોવાની વિગતો મળતાં પોલીસે દરોડો પાડયો હતો.

આ વખતે આરોપી હોટલમાં ચેકઆઉટ કરી રહ્યો હતો.પોલીસ તેને ઓળખી જતાં તેને ભાગવાનો મોકો મળ્યો નહતો.આરોપી નૈરિશે એક મહિલાને વીજ કંપનીમાં ભાડેથી કાર મુકાવી આપવાના નામે ઠગાઇ કરતાં વર્ષ-૨૦૧૬માં ગુનો નોંધાયો હતો.

પોલીસ ઓળખે ના તે માટે બળાત્કારીએ મુંડન કરાવ્યું હતું

જેલમાંથી પેરોલ મેળવ્યા બાદ ઓરિસ્સાના ગામમાં છુપાયેલા રણજિતે પોલીસ ઓળખી ના શકે તે માટે માથે મુંડન કરાવી દીધું હતું.જેને કારણે પોલીસ પાસે તેનો ફોટો હોવા છતાં ઓળખવામાં મુશ્કેલી પડી હતી.

Next Story