/connect-gujarat/media/post_banners/00b90081c77182a8a4cb754ba094eaabf4d4626ac207426ede071b28c0ff55c9.jpg)
વાપીના રહીશને સોનું સસ્તામાં આપવાનું કાવતરૂ
નકલી પોલીસ ટોળકી દ્વારા રૂ. 39 લાખની ઠગાઈ કરાય
પોલીસે સાગરીતની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
વલસાડ જિલ્લામાં વાપીના એસ્ટેટ એજન્ટ અને તેમની માનેલી બહેન સાથે નકલી પોલીસની ટોળકી દ્વારા રૂ. 39 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે ઠગ ટોળકીના સાગરીતની ધરપકડ કરી રૂ. 38.50 લાખ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાપીના કસ્ટમ રોડ પર ખોજા સોસાયટીમાં રહેતા એસ્ટેટ એજન્ટ મીન લાખાણીને તેમના મિત્ર સોહિલ હિરાણીએ એક વ્યક્તિ ઓછા ભાવે સોનાના બિસ્કીટ આપતા હોવાની વાત કરીને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ સોહીલ હિરાણીએ તેના ઓળખીતા આરીફ, યુસુફ ચાચા તથા પ્રવિણભાઇ સાથે ફરીયાદીને મીટીંગ કરાવી સેમ્પલ તરીકે એક અસલ સોનાનું બિસ્કીટ બતાવી તેને ચેક કરાવતાં તે અસલ સોનું હોવાનુ જણાવ્યુ હતું. જેથી ફરીયાદી વધુ વિશ્વાસમાં આવી જતાં ઓછામાં ઓછુ એક કિલો સોનુ લેવુ પડશે, તેવી આરોપીઓએ વાત કરી હતી. ફરીયાદી અમીન લાખાણીએ ધર્મથી માનેલા જયશ્રીબેનનો સંપર્ક કરી સસ્તા ભાવે મળતા સોનાની વાત કરતા તેઓ પણ વિશ્વાસમાં આવી ગયા હતા. ત્યારબાદ ઠગબાજોએ ફરિયાદી સાથે અવાર-નવાર મીટીંગ કરી હતી. જેમાં આરોપીઓએ ફરિયાદીને ધરમપુર નજીક બારસોલ ખાતે આવેલ ઇન્ડિયન નોન જયુડીશીલ લખેલ બંગલામાં લઇ જઇ ત્યાં ઇશ્વરભાઇ નામના અન્ય એક ઇસમ સાથે મુલાકાત કરાવી હતી, જ્યાં રોકડ રકમ આપી સોનાના બિસ્કીટનો સોદો કરવામાં આવતા થોડી વારમાં જ એક સ્ત્રી સાથે અન્ય 5 ઇસમોએ સ્થળ પર આવી ગાંધીનગર પોલીસ ઓળખાણ આપી રેડ પાડી હતી, જ્યાં તમામને ડરાવી ધમકાવી રોકડ રકમ 37 લાખ તથા આરોપીઓ લાવેલ સોનાના બિસ્કીટ જપ્ત કર્યા હતા. ત્યારબાદ ફરીયાદી તથા બીજા મળતિયાઓને કારમાં બેસાડી ગાંધીનગર તરફ લઇ જવા રવાના થયા હતા. જે બાદ ને.હા. નં. 48 પર ચીખલી તરફ લઇ જઇ પોલીસ તરીકે ઓળખ આપનાર ઇસમોએ ફરીયાદી પાસે પતાવટ કરવા માટે 10 લાખની માંગણી કરી 2 લાખ રૂપિયા પડાવી લીધા હતા, અને તમારૂં નામ ક્યાય નહીં આવે તેવું જણાવી ફરીયાદીને કાર સાથે રસ્તામાં છોડી દીધા હતા. એટલું જ નહીં, તમામ ઇસમોએ રોકડ 39 લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે એલ.સી.બી. પોલીસે સીસીટીવી ફુટેજ તેમજ ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ હાથ ધરતા આરોપી યુનુસ મેમણને રોકડ રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.