/connect-gujarat/media/post_banners/5e20949c5b53f8614fa142613eeca03a0335148f9eed6a021564dc9a4c06286f.jpg)
દક્ષિણ વન વિભાગ રેન્જ-કપરાડા દ્વારા કાર્યવાહી
રૂ. 2.90 લાખના સાગી લાકડાનો જથ્થો ઝડપાયો
વન વિભાગની લાલ આંખથી પુષ્પરાજોમાં ફફડાટ
વલસાડ જીલ્લામાં દક્ષિણ વન વિભાગ રેન્જ-કપરાડા દ્વારા મોટી વહીયાડ ગામે પેટ્રોલિંગ દરમિયાન ઝાડી જંગલમાં છુપાવી રાખેલ રૂ. 2.90 લાખના સાગી લાકડાનો જથ્થો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સામાન્ય રીતે રાત્રિ દરમિયાન અનેક વાહનોમાં ખેર અને સાગી લાકડા અને સિસમની ચોરી થતી હોય છે, ત્યારે આ ચોરી અટકાવવા માટે હાલ વલસાડ વન વિભાગની ટીમ ખૂબ જ સક્રિય છે, ત્યારે DFO દક્ષિણ વન વિભાગના માર્ગદર્શન હેઠળ સમયાંતરે વિવિધ શંકા જણાય તેવા સ્થળોએ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવે છે, ત્યારે ગતરોજ નાનાપોંઢા ફોરેસ્ટ વિભાગના આરએફઓ અભિજીતસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા મોટી વહિયાળ ગામે નદી પાડા ફળિયામાં હનકી અને કોતરોના જંગલ ઝાડીને ઝાંખડા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરતા પુષ્પરાજોએ છુપાવી રાખેલા અંદાજિત 2.90 લાખની કિંમતના સાગી લાકડાનો મોટો જથ્થો હાથે લાગ્યો હતો. મહત્વનું છે કે, મહારાષ્ટ્ર વિસ્તારમાંથી આવતા સાગી લાકડા ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઘુસાડવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, ત્યારે જંગલ ખાતાની નજરથી બચવા માટે કેટલાક પુષ્પરાજો દ્વારા નદી કિનારા વિસ્તારના ઝાડી જાખરામાં માલ-સામાન છુપાવી રાખવામાં આવે છે. જોકે, હવે જંગલ ખાતા દ્વારા તેની સામે પણ લાલ આંખ કરતાં પુષ્પરાજોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.