/connect-gujarat/media/post_banners/fbe26a62dda5220d77b464c3141c12143f76dcaa2451b6a6d83a9c460cd0a4d1.webp)
કારમાં ચોરખાનું બનાવી રાજસ્થાન લઇ જવાતું ચાંદી જપ્ત
રૂ. 1 કરોડથી વધુના 173.55 કિલો ચાંદી 3 શખ્સોની ધરપકડ
મુદ્દામાલ જપ્ત કરી રૂરલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી
વલસાડ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર એક કારમાં ચોરખાનું બનાવીને રાજસ્થાન લઇ જવાતા રૂપિયા 1 કરોડથી વધુના 173.55 કિલો ચાંદીના જથ્થા સાથે 3 શખ્સોની રૂરલ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ રૂરલ પોલીસ કાફલો હાઇવે પર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન વલસાડના સુગર ફેક્ટરી પાસે નેશનલ હાઇવે નંબર 48 પર મહારાષ્ટ્ર પાર્સીંગની એક કાર આવતા પોલીસને આ કાર વજનદાર હોવાને લઈને શંકા જતા કારનો પીછો કર્યો હતો.
વલસાડના ધમડાચી પીરુ ફળિયા રામદેવ ઢાબા પાસે આ કારને અટકાવી તેમાં તપાસ કરતા કારની સીટ પાછળ બનાવેલ ચોરખાનામાં મુકેલ ચાંદી મળી આવ્યું હતું, ત્યારે કારને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવી તપાસ કરતા ચાંદીના વધુ 46 પેકેટ મળી આવ્યા હતા. જેની ગણતરી કરતા કુલ 173.55 કિલો ચાંદી જેની કિંમત 1 કરોડ 10 લાખથી વધુ થવા જઈ રહી છે. સમગ્ર મામલે વલસાડ રૂરલ પોલીસે મહારાષ્ટ્ર કોલ્હાપુર અને સાંગલીના રહેવાસી સંતોષ ગણપતિ હેડકે, સતીશ ગણપતિ હેડકે અને વિજય રામચન્દ્ર પાટીલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ, પોલીસના હાથે ઝડપાયેલા શખ્સો આ ચાંદી રાજસ્થાનના ઉદેયપુર ખાતે આપવા જતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.