/connect-gujarat/media/post_banners/8479c61cc5c7a6f0c409fe49f88e89bfa73a8245a4c2d850d231fa6b7749cd11.jpg)
રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના વાપીમાં 10 વર્ષીય વિદ્યાર્થીનીનું શાળાની બહારથી અપહરણ થવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી, ત્યારે અપહરણની આ ઘટનામાં પારડી પોલીસે તાત્કાલિક પગલાં લઈ એક મહિલા સહિત 3 અપહરણકર્તાની ધરપકડ કરી છે.
વલસાડના વાપીની હરિયા હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલ વ્યક્તિનું નામ દિલીપ મિશ્રા છે. દિલીપ મિશ્રાને ગતરોજ બપોરે એક ફોન આવ્યો હતો, એ ફોનના કારણે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેમની 10 વર્ષીય બાળકીની શાળામાંથી ફોન આવ્યો કે, બાળકીનું કોઈ અજાણ્યા ઈસમો અપહરણ કરી ફરાર થઈ ગયા છે. આ ફોન આવતા જ દિલીપ મિશ્રાએ તાત્કાલિક નેશનલ હાઇવે પર અપહરણકર્તાની કારનો પીછો કર્યો હતો. વાપીના બલીઠા વિસ્તારમાં હાઇવે પર આ કારને આંતરીને પોતાની દીકરીને બચાવવાનો પ્રયાસ કરતા દિલીપ મિશ્રા પર હીચકારો હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, દિલીપ મિશ્રાએ તાત્કાલિક પોલીસને પણ જાણ કરી હતી, જેને લઈને પારડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. અપહરણ કરવા આવેલ પૂજા બારોટ, વિરાજ બારોટ અને જય દરજી નામના 3 અપહરણકર્તાની પારડી પોલીસે ધરપકડ કરી લીધી હતી.
જોકે, અપહરણની આ ઘટનાના સીસીટીવી પણ બહાર આવ્યા હતા. જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે, શાળાની બહાર આવી રહેલા બાળકો પૈકી 10 વર્ષીય સગીર બાળકીને એક મહિલા હાથ પકડી લઇ જાય છે. તો અપહરણ મામલે ખુલાસા થયા છે કે, આ અપહરણ કરવામાં પૂજા બારોટ મુખ્ય આરોપી છે. જોકે, ચોકાવનારી બાબત એ છે કે, જે બાળકીનું અપહરણ થયું હતું તે બાળકી પૂજા બારોટની હોવાનું બહાર આવ્યું છે. થોડા સમય પહેલા દિલીપ મિશ્રા અને પૂજાના લગ્ન થયા હતા, અને આ લગ્ન બાદ મિશ્રા પરિવારમાં એક દીકરી અને એક દીકરાનો જન્મ થયો હતો. જોકે, બન્ને પતિ-પત્ની વચ્ચે મનમેળ ન હતો. જેના કારણે થોડા સમય પહેલા જ પૂજા અને દિલીપે છુટાછેડા લઈ લીધા હતા. પૂજાએ પોતાની મરજીથી બન્ને બાળકોની કસ્ટડી પણ તેના પિતા દિલીપને સોંપી દીધી હતી. ત્યારબાદ પૂજાએ અમદાવાદમાં વિરાજ બારોટ સાથે ઘર માંડ્યું હતું .જોકે, હવે અચાનક જ પૂજા તેના નવા પતિ વિરાજ સાથે વાપી પહોંચી હતી, અને તેના પૂર્વ પતિ દિલીપને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર અચાનક તેની દીકરીનું અપરણ કરી અમદાવાદ તરફ ફરાર થવાની પેરવીમાં હતી, ત્યારે જ ત્રણેય આરોપીને પારડી પોલીસે ઝડપી લીધા છે. પૂજા અને તેના પૂર્વપતિ વીરાજે દિલીપને ઢોર માર માર્યો હતો, અને હાલે દિલીપ વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. જોકે, દિલીપને એ વાતનો સંતોષ છે કે, તેને પોતાની દીકરીને બચાવી લીધી છે.
વાપી પોલીસ સ્ટેશનની બહાર પૂજા બારોટ પોતે નિર્દોષ હોવાનું ગાણું ગાઈ રહી હતી. જોકે, પૂજા આજે પણ દિલીપની પત્ની હોવાનો દાવો કરે છે. પોતે એ પણ સ્વીકારે છે કે, પોતે વિરાજ સાથે લીવ ઇનમાં રહે છે. પૂજા અને વિરાજના લગ્ન થઈ ગયા હોવાના ફોટાઓ પણ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ, વાપીની હરિયા હોસ્પિટલ બિછાને રહેલ દિલીપ મિશ્રા એક જ માગણી કરી રહ્યો છે કે, પોતાની દીકરીનું અપરણ કરનારાઓને સખતમાં સખત સજા થાય, અને ભવિષ્યમાં તેના બાળકો પર કોઈ જોખમ ન આવે. જોકે, પોલીસે પણ ત્રણેય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.