બગવાડા ટોલનાકા ખાતે ટેક્ષી એસોસિએશનનો વિરોધ
હાઇવે પર પડેલા ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકાર્યા
હલ્લાબોલ કરવા સાથે માર્ગ પર ચક્કાજામ પણ કરાયો
ઉગ્ર વિરોધ પ્રદર્શનથી માર્ગ પર ટ્રાફિકજામ પણ સર્જાયો
વરસાદે વિરામ લેતા પેચવર્કની કામગીરી શરૂ કરાશે :NHAI
સુરતથી લઈને મહારાષ્ટ્ર બોર્ડર એટલે કે, ભીલાડ સુધી નેશનલ હાઇવે નં. 48 પર પડેલા ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે, ત્યારે વલસાડના બગવાડા ટોલનાકા ખાતે ટેક્ષી એસોસિએશન દ્વારા હલ્લાબોલ સાથે ચક્કાજામ કરી વિરોધ નોંધાવતા લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.
વલસાડના બગવાડા ટોલનાકા ખાતે દમણ, વાપી, વલસાડ અને સેલવાસ ટેક્સી એસોસિએશન દ્વારા“રોડ નહીં, તો ટોલ નહીં”ના બેનરો સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાલ ચોમાસા દરમ્યાન સુરતથી લઈને મહારાષ્ટ્ર બોર્ડર એટલે કે, ભીલાડ સુધી નેશનલ હાઇવે 48 પર ઠેર ઠેર પડેલા ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ખાડાઓના કારણે લોકોના વાહનોમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીં, લોકોને અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે.
બગવાડા ટોલનાકા ખાતે મોટી સંખ્યામાં ટેક્સી માલિકો અને ટેક્સી ચાલકો રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો હતો. મોટી સંખ્યામાં ટેક્સી એસોસિએશનના હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓએ ટોલબુથની ઓફીસ પર પહોંચીને વિરોધ કર્યો હતો. રોડની ખરાબ હાલતને લઈને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજી તાત્કાલિક ધોરણે રોડ બરાબર બનાવવામાં આવે તેવી માગ કરાય હતી. જોકે, સમગ્ર મામલે વિરોધ પ્રદર્શન શરૂ થતા હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં તાત્કાલિક પારડી પોલીસ સ્થળ પર પહોંચી ચક્કાજામ કરી રહ્યા લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.
જોકે, આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેકટ ડાયરેકટરે જણાવ્યું હતું કે, આ જે હાઇવે છે એ 6 લેન વાળો છે, અને આ હાઇવે પર સૌથી વધારે ટ્રાફિક હોય છે. આ સાથે જ આ વિસ્તારોમાં જે રીતે વરસાદ પડે છે, જેને લઇને હાઇવેમાં પેચવર્કની કામગીરી ધીમી પડી જતી હોય છે, ત્યારે વરસાદ વિરામ લેતા જ પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જણાવાયું છે.