સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના જળાશયોને મળશે નર્મદાનું પાણી, રાજ્ય સરકારે કરી જાહેર

નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને કારણે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે. આ વધારાના પાણીનો લાભ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓને મળશે

New Update
ગુજરાત

નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને કારણે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે. આ વધારાના પાણીનો લાભ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓને મળશે એવું રાજ્ય સરકારે જાહેર કર્યું છે.

રાજ્ય સરકારના આયોજન મુજબ, સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓ - સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને અમરેલીના કુલ 40 જળાશયોને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે. આ માટે સૌની યોજના અંતર્ગત સ્થાપિત 4 પાઈપલાઈનોનો ઉપયોગ કરવામાં આવશે.

હાલમાં, આ પાઈપલાઈનો દ્વારા 1,300 ક્યુસેક્સ પાણીનું ઉદવહન શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ માત્રા વધારીને 2,000 ક્યુસેક્સથી વધુ કરવામાં આવશે, જેથી સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીનો જથ્થો વધી શકે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, જો વરસાદ ઓછો પડશે તો આ જિલ્લાઓના લગભગ 600 ચેકડેમ અને તળાવો પણ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્તમાન પરિસ્થિતિમાં, પીવાના પાણીના જથ્થા માટે અનામત રખાયેલા જળાશયોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ પગલું સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણીની તંગી નિવારવા અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

Latest Stories