Connect Gujarat
ગુજરાત

વેરાવળ : રીકશાચાલક બન્યો લુંટારૂ, જે ઘરના બાળકોને શાળાએ લઇ જતો ત્યાં જ કરી લુંટ

પટેલવાડા વિસ્તારમાં બની હતી લુંટની ઘટના, મહિલાના રોજગાર અર્થે વિદેશમાં સ્થાયી થયાં છે.

X

ગીર સોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળમાં મહિલાની એકલતાનો લાભ ઉઠાવી લુંટારૂ 80 હજાર રૂપિયાના દાગીનાની લુંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. પોલીસે જયારે આરોપીને ઝડપી પાડયો ત્યારે સૌ કોઇ ચોંકી ઉઠયાં હતાં કારણ કે લુંટારૂ બીજો કોઇ જ નહિ પણ મહિલાના બાળકોને શાળાએ લઇ જતો રીકશા ચાલક જ નીકળ્યો હતો.

વેરાવળના પટેલવાડા વિસ્તારમાં લુંટની ઘટના બની હતી. અસ્માબેન સોરઠિયાના મકાનમાંથી 80 હજાર રૂપિયાની કિમંતના સોનાના દાગીનાની લુંટ કરી લુંટારૂ ફરાર થઇ ગયો હતો. લુંટારૂઓએ છરીની અણીએ લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ભાગતી વેળા લુંટારૂ મહિલાને પોલીસને જાણ નહી કરવા અને જો જાણ કરશે તો તેના દીકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો.

અસ્માબેને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડયો હતો. આરોપી સ્કુલ રીકશા ચલાવવાનો વ્યવસાય કરે છે અને અસ્માબેનના બાળકોને શાળાએ લેવા તથા મુકવાનું કામ કરે છે. અસ્માબેનના પતિ વિદેશમાં હોવાની બાબતથી આરોપી રિયાઝ પંજા જાણકાર હતો અને લુંટનો પ્લાન ઘડી નાંખ્યો હતો. લોકડાઉનના કારણે શાળાઓ બંધ હોવાથી રિયાઝ બેકાર બની ગયો હતો અને પૈસાની જરૂરીયાત ઉભી થતાં લુંટ કરી હોવાની કબુલાત તેણે પોલીસ સમક્ષ કરી છે.

કોરોનાના કપરા કાળમાં લાદવામાં આવેલ લોકડાઉનથી બેકારી પણ વધી છે.અને બેરોજગાર બનેલા લોકો હવે ગુનાહીત કૃત્યો તરફ વળ્યા છે.પૈસાની જરૂરીયાતે એક રીકશાચાલકને લુંટારૂ બનાવી દીધો છે તે કડવી વાસ્તવિકતા છે.

Next Story