પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામે વાવાઝોડાના કારણે તૂટી પડેલા જીવતા વીજ વાયરોથી ગ્રામજનોના જીવ પડિકે બંધાયા હતા.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં ઉત્તર ગુજરાત વીજ નિગમની ગંભીર બેદરકારી સામે આવી છે. રાધનપુરના બાદરપુરા ગામે ગતરોજ રાત્રે ત્રાટકેલા વાવાઝોડાના કારણે દલિત વાસમાં કેટલાક વીજ વાયરો અને વીજ પોલ તૂટી પડ્યા હતા. જીવતા વીજ વાયરો તૂટી પડતાં દલિત વાસમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તેવામાં વીજ કરંટથી કોઈ જાનમાલને નુકશાન ન થાય તે માટે વીજ પુરવઠો બંધ કરવા મહિલા સરપંચના પતિએUGVCLના કર્મચારીને ફોન પર સંપર્ક કર્યો હતો, ત્યારેUGVCLના કર્મચારીએ ફોન પર જણાવ્યુ હતું કે, “મારી નોકરી પૂરી થઈ છે, ઓફિસે વાત કરો..” UGVCLના લેન્ડલાઈન નંબર પર કોલ કરવા છતાં કોઈએ પણ ફોન ઉઠાવ્યો નહીં હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. જોકે, 2 કલાક બાદUGVCL દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ તૂટેલા વીજ વાયરોના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેને લઈને ગ્રામજનોમાંUGVCL સામે અનેક સવાલો ઊભા થયા છે.