દાહોદ લોકસભામાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાના પ્રથમપુર ગામ ખાતે તારીખ 7 મીના રોજ યોજાયેલા લોકસભા ચૂંટણીના મતદાનમાં ભારતીય જનતા પાર્ટીના નેતાના પુત્ર વિજય ભાભોર દ્વારા બુથ કેપ્ચરિંગનો સમગ્ર મામલો અને તે અંગેનું સોશિયલ મીડિયા ઉપર લાઈવ વીડિયો રેકોર્ડિંગ વાયરલ થયું હતું. ત્યાર બાદ તંત્ર દ્વારા કડક પગલાં લઈ અને વિજય ભાભોર તેમજ તેના સાથીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે ચૂંટણીપંચ દ્વારા આ મતદાન મથક ઉપર ફરીથી મતદાન કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. અને આ મતદાન 11 તારીખે શનિવારે ફરીથી કરવાના ચૂંટણી પંચે આદેશ કર્યા છે..
દાહોદ લોકસભા બેઠકમાં બિહારવાળી થઈ હોવાની ઘટના સામે આવી છે. મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં મતદાન વખતે બૂથ કેપ્ચરિંગ થયું હતું. ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કરી હતી. અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.