/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/27164436/HighCourt.jpg)
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે સરકાર ભલે નિતનવા દાવા કરી રહી હોય પણ હાઇકોર્ટને હવે સરકારી દાવાઓમાં વિશ્વાસ રહયો નથી. સુઓમોટોના સંદર્ભમાં મંગળવારના રોજ થયેલી સુનાવણીમાં ફરી ચીફ જસ્ટીસે સરકારની ઝાટકણી કાઢી હતી. સરકાર કોર્ટમાં એક પછી એક એફીડેવિટ કરી સબ સલામત હોવાનું ચિત્ર રજુ કરી રહી છે પણ હાઇકોર્ટ દર સુનાવણીમાં સરકારને અણીયારા સવાલો પુછી રહી છે.
રાજયમાં કોરોનાની બીજી લહેર એકદમ ઘાતક સાબિત થઇ રહી છે. ભરૂચ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભરૂચમાં સાતમી એપ્રિલના રોજથી નાઇટ કરફયુ અમલમાં મુકવામાં આવ્યો હોવા છતાં રોજના સરેરાશ 50 લોકોના કોવીડ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહયાં છે. રાજયમાં ઓકિસજન સિલિન્ડર માટે દર્દીઓના સ્વજનો રઝળપાટ કરી રહયાં છે. અમદાવાદમાં ડીઆરડીઓ સંચાલિત 900 બેડની હોસ્પિટલ હજી સુધી કાર્યરત થઇ નથી અને દર્દીઓને દાખલ કરવામાં આવી રહયાં નથી. આ બધી બાબતોની હાઇકોર્ટે ગંભીરતાથી નોંધ લીધી છે. આજની સુનાવણીમાં કોર્ટે અનેક સવાલો ઉઠાવ્યાં હતાં. સિનિયર એડવોકેટે ચીફ જસ્ટીસને જણાવ્યું હતું કે, 4 લાખ રેમડેસિવિરની જરૂરિયાત સામે 16 હજાર ઈન્જેક્શન જ મળે છે. જયારે પરસી કવિનાએ ડીઆરડીઓ હોસ્પિટલને ઉદઘાટન વિના ચાલુ કરી દેવી જોઇએ કારણ કે ઉદઘાટન સમારંભમાં લોકો ભેગા થશે અને કોરોનાના સંક્રમણનો ખતરો વધી જશે. કોર્ટે જણાવ્યું હતું કે, અત્યારે અમે લોકોના જીવ બચાવવાની વાત કરી રહ્યા છીએ, મોતના આંકડાની વાત પછી, અત્યારે બ્રેક ધ ચેઈનની વાત કરો. ચીફ જસ્ટીસે દર્દીઓને સારવાર માટે દાખલ કરવાની નિતિ સામે વિરોધ કરતાં જણાવ્યું હતું કે, દર્દીઓને સમાન રીતે સારવાર મળવી જોઇએ. માત્ર 108માં આવનાર દર્દીઓને જ કેમ સારવાર માટે દાખલ કરવામાં આવી રહયાં છે ? સરકારના વકીલોએ વિદેશોના ઉદાહરણો આપતાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે, આપણે જર્મની કે લંડનમાં નહિ પણ ભારતમાં રહીએ છીએ. આમ રાજય સરકાર ભલે ગમે તેવા દાવા કરતી હોય પણ હાઇકોર્ટ સરકારની બરાબરની ઝાટકણી કાઢી રહી છે.