/connect-gujarat/media/media_files/2025/11/10/aamla-2025-11-10-11-52-36.jpg)
આયુર્વેદમાં આમળાને સ્વાસ્થ્ય માટે અમૃત સમાન માનવામાં આવે છે.
આમળામાં વિટામિન C, એન્ટીઓક્સિડન્ટ્સ અને અનેક ખનિજો ભરપૂર માત્રામાં હોય છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે આમળાનો રસ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ શું ખરેખર આમળાનો રસ પીવાથી ડાયાબિટીસ મટી શકે છે? ચાલો જાણીએ નિષ્ણાતો શું કહે છે.
ડોકટરોના જણાવ્યા અનુસાર, પ્રી-ડાયાબિટીસ એ એવી સ્થિતિ છે જ્યાં બ્લડ શુગર લેવલ સામાન્ય કરતા થોડું વધારે હોય છે, પરંતુ હજી તે ડાયાબિટીસની હદ સુધી પહોંચ્યું નથી. આ તબક્કે જો યોગ્ય આહાર, નિયમિત કસરત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં આવે, તો બ્લડ શુગર લેવલ ફરી સામાન્ય થઈ શકે છે અને ડાયાબિટીસને રિવર્સ કરવાની શક્યતા પણ રહે છે.
ડાયાબિટીસ એવા રોગ તરીકે ઓળખાય છે જેમાં શરીર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન હોર્મોન ઉત્પન્ન કરતું નથી અથવા ઉત્પન્ન થયેલા ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી. ઇન્સ્યુલિનની અછતને કારણે લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધે છે, જે લાંબા ગાળે હૃદય, કિડની, આંખો અને નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે.
ડાયાબિટીસ કોચ અનુપમ ઘોષના જણાવ્યા અનુસાર, આમળાનો રસ ખરેખર એક જાદુઈ પીણું છે, જે શરીરની ઇન્સ્યુલિન સંવેદનશીલતા (Insulin Sensitivity) વધારવામાં મદદ કરે છે. આમળામાં રહેલા વિટામિન C અને એન્ટીઓક્સિડન્ટ્સ બ્લડ શુગર લેવલ સંતુલિત રાખવામાં મદદરૂપ બને છે. તે લોહીમાં હાજર ગ્લુકોઝને ઊર્જામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે.
પરંતુ નિષ્ણાતો કહે છે કે ફક્ત આમળાનો રસ પીવાથી ડાયાબિટીસ મટી શકતી નથી. જો વ્યક્તિ યોગ્ય આહાર લે, તણાવ ઘટાડે, નિયમિત કસરત કરે અને પૂરતી ઊંઘ લે — તો આમળાનો રસ તેના શરીરમાં ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા વધારીને ડાયાબિટીસને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે.
ડોકટરો સલાહ આપે છે કે સવારે ખાલી પેટે તાજો આમળાનો રસ પીવો જોઈએ. તે યકૃતને ડિટોક્સિફાય કરે છે, મેટાબોલિઝમ સુધારે છે અને બ્લડ શુગર લેવલ સંતુલિત રાખે છે. આમળામાં રહેલું ક્રોમિયમ તત્વ શરીરમાં કાર્બોહાઇડ્રેટના ચયાપચયમાં સુધારો લાવે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ ફાયદાકારક છે.
બજારના પેકેજ્ડ રસની બદલે ઘરે તાજો રસ બનાવી પીવો વધુ લાભદાયી ગણાય છે. નિષ્ણાતો કહે છે કે આમળાનો રસ જો લીંબુ કે કારેલાના રસ સાથે મિક્સ કરીને લેવાય, તો તેની અસર અનેકગણી વધી જાય છે. આ સંયોજન લોહી શુદ્ધ કરે છે, સ્વાદુપિંડને સક્રિય કરે છે અને શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાની ક્ષમતામાં સુધારો કરે છે.