/connect-gujarat/media/media_files/2025/11/08/mint-plant-2025-11-08-13-34-07.jpg)
ફૂદીનો માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભદાયી છે. રોજિંદા ચા, ઠંડા પીણાં, ચટણી, અથવા રસમાં ફૂદીનાનો ઉપયોગ સામાન્ય બાબત બની ગઈ છે.
તેમાં રહેલા એન્ટિબેક્ટેરિયલ અને એન્ટીઑક્સીડન્ટ તત્વો શરીરને ડિટોક્સ કરવા, પાચન સુધારવા અને તાજગી આપવા માટે અસરકારક માનવામાં આવે છે. ફૂદીનાનું તેલ માથાનો દુખાવો, ત્વચાની સમસ્યાઓ અને શ્વાસ સંબંધિત તકલીફોમાં રાહત આપે છે. બજારમાં ઘણીવાર તાજું ફૂદીનું ઉપલબ્ધ ન હોય ત્યારે ઘરમાં જ તેનો છોડ ઉગાડવો શ્રેષ્ઠ વિકલ્પ છે. આ છોડ દેખાવમાં પણ સુંદર લાગે છે અને ઓછા જાળવણીમાં સારી રીતે વધે છે.
ફૂદીનાનો છોડ ઘરમાં ઉગાડવા માટે નર્સરીમાંથી નાનો છોડ કે તેની ડાળી લઈ આવો. 4 થી 6 ઇંચ લાંબી ડાળીમાંથી નીચેના પાંદડા કાઢી નાંખો અને તેને આશરે 8 ઇંચ ઊંડા ખાડામાં રોપો. કૂંડામાં નીચે છિદ્ર રાખો જેથી વધારાનું પાણી બહાર નીકળી શકે. રોપ્યા પછી છોડને હળવી ભેજવાળી માટીમાં રાખો અને દર 2 થી 4 દિવસે પાણી આપો. ફૂદીનો સૂર્યપ્રકાશ પ્રેમી છોડ છે, તેથી તેને એવા સ્થાન પર રાખો જ્યાં તેને દરરોજ ઓછામાં ઓછી 4 થી 6 કલાક સુધી પ્રકાશ મળે. તાપમાન 15 થી 24 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહે તેવું વાતાવરણ તેના વિકાસ માટે અનુકૂળ છે. જ્યારે છોડ 6 થી 8 ઇંચ ઊંચો થઈ જાય ત્યારે કાપણી શરૂ કરી શકાય છે, પરંતુ એક સમયે કુલ છોડના માત્ર ત્રીજા ભાગથી વધુ ન કાપવો જોઈએ જેથી છોડ નબળો ન પડે.
છોડને સ્વસ્થ રાખવા માટે હવામાં પરિભ્રમણ જરૂરી છે અને માટીમાં ફૂગ ન થાય તે માટે પાણીનું પ્રમાણ સંતુલિત રાખવું જોઈએ. નિયમિત કાપણીથી ફૂદીનાનો છોડ વધુ ગાઢ, તંદુરસ્ત અને સુગંધિત બને છે. આ રીતે ઘરનાં આંગણે ઉગાડેલો ફૂદીનો માત્ર રસોઈને તાજગી આપે છે નહીં પરંતુ આખા પરિવારને સ્વાસ્થ્યલાભ પણ આપે છે.