નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક સ્થળોએ નુકસાનના બનાવો સામે આવી રહ્યા છે. તે જ ક્રમમાં રાજપીપલાના ઐતિહાસિક કરજણ ઓવારા ખાતે આવેલું વિશાળ અને પ્રાચીન વડનું વૃક્ષ આજે સાંજે અંદાજે 7:30 વાગ્યાના સમયે મૂળ સહિત જમીનમાંથી ઉખડીને ધરાશાયી થયું હતું.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વડ વૃક્ષ આશરે ઘણા વર્ષો જેટલું જૂનું હોવાનું માનવામાં આવે છે અને કરજણ ઓવારા વિસ્તારની એક આગવી ઓળખ તરીકે જાણીતું હતું.

સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જમીન નરમ અને કાદવમય બની જતાં વૃક્ષના મૂળનો જમીન પરનો પકડ નબળો પડ્યો હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે, જેના પરિણામે આ વિશાળ વૃક્ષ મૂળ સહિત ધરાશાયી થયું.

સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર પ્રાપ્ત થયા નથી. ઘટનાના સમાચાર મળતાં નગર પાલિકા ફાયર વિભાગ તેમજ વીજ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.