હૈદરાબાદમાં વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. રસ્તાઓ પર પાણીના વહેણમાં કાર અને બાઈકો પણ તણાતા જોવા મળી હતી. હવામાન વિભાગએ પણ આજે (બુધવારે) ભારે વરસાદ માટે એલર્ટ જારી કર્યું છે.
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારો ડૂબી ગયા છે. રસ્તાઓ પર પૂરના દૃશ્ય સર્જાયા છે. મુશળધાર વરસાદને કારણે પરિસ્થિતી એટલી વિનાશક બની છે કે, ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ઘણી જગ્યાએ હોડીઓ ચલાવવી પડી રહી છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એસડીઆરએફ) ની ટીમ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને બચાવાયા હતા.
હૈદરાબાદમાં વરસાદ આફત વરસાવી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ એ આજે પણ ભારે વરસાદ માટે એલર્ટ જારી કર્યું છે. મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં 20 સે.મી.થી વધુ વરસાદ નોંધાયો છે. હૈદરાબાદ-વિજયવાડા હાઇવે પર પૂરનું પાણી આવી ગયું છે. તળાવમાં પૂરને કારણે પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. એસડીઆરએફની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરીમાં લાગી છે. રાજ્યના મુખ્ય પ્રધાન કે.કે. ચંદ્રશેખર રાવ પણ નજર રાખી રહ્યા છે.
વરસાદને કારણે ઉસ્માનિયા યુનિવર્સિટી અને જવાહરલાલ નહેરુ તકનીકી યુનિવર્સિટીએ આજ અને આવતીકાલે યોજાનારી પરીક્ષાઓ મુલતવી રાખી છે. યુનિવર્સિટી વહીવટી તંત્રનું કહેવું છે કે પરીક્ષા આગામી તારીખે લેવામાં આવશે. આ ઉપરાંત મંગળવારે આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યના વિશાખાપટ્ટનમ જિલ્લામાં ભારે વરસાદને કારણે 40 ગામોમાં આશરે 350 મકાનોને નુકસાન થયું છે.
મંગળવારે કેરળના મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. આ પછી હવામાન વિભાગે બુધવારે એક ચેતવણી જાહેર કરી કોઝિકોડ સહિતના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. ભારતીય હવામાન ખાતા (આઇએમડી) એ બુધવાર માટે તિરુવનંતપુરમ, કોલ્લમ અને પઠનમથિટ્ટા ઉપરાંત કેટલાક અન્ય જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ત્રિશૂર, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસારગોડ જિલ્લામાં પણ ગુરુવાર માટે યલો ચેતવણી જારી કરવામાં આવી છે.