“ઐતિહાસિક તવારીખ” : ભારતને આઝાદી મળ્યાના 85 દિવસ બાદ 9મી નવેમ્બરે જુનાગઢને મળી હતી આઝાદી

New Update
“ઐતિહાસિક તવારીખ” : ભારતને આઝાદી મળ્યાના 85 દિવસ બાદ 9મી નવેમ્બરે જુનાગઢને મળી હતી આઝાદી

તા. 9મી નવેમ્બરનો દિવસ જુનાગઢની ઐતિહાસિક તવારીખ માટે મહત્વનો દિવસ માનવમાં આવે છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશે અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થઈ આઝાદીનો પ્રથમ દિવસ અનુભવ્યો હતો. પરંતુ ભારત આઝાદ થયાના 85 દિવસ બાદ જુનાગઢને પૂર્ણ રૂપે આઝાદી મળી હતી, ત્યારે સોમવારના રોજ જુનાગઢ આઝાદ દિન નિમિત્તે બહાઉદ્દીન કોલેજ ખાતે વિજય સ્તંભના પૂજન-અર્ચનનો કાર્યક્રમ યોજાયો હતો.

તા. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતની સ્વતંત્રતા સાથે જુનાગઢ સ્ટેટના છેલ્લા નવાબ મહાબતખાનજીએ જુનાગઢ સ્ટેટને પાકિસ્તાન સાથે જોડાણ કરવા સહમત થતાં જૂનાગઢની પ્રજામાં માતમ છવાઇ ગયું હતું, ત્યારે તા. 9મી નવેમ્બરના રોજ જુનાગઢના છેલ્લા નાયબ દીવાન હોર્વે જોન્સે જૂનાગઢ સ્ટેટનો કબજો વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટના રીજનલ કમિશનરને સોંપતાં જૂનાગઢ સ્ટેટ પૂર્ણ રૂપે ભારતનો હિસ્સો બની ગયું હતું. બહુવિધ હિન્દુ પ્રજા જુનાગઢને પાકિસ્તાનના બદલે ભારત સાથે જોડાવાના પક્ષમાં હતી.

તા. 8 નવેમ્બર 1947ની સાંજ સુધીમાં આરઝી હકૂમતની સેનાએ જુનાગઢ સ્ટેટનાં કુલ 106 ગામ કબજે કરી લીધાં હતાં, ત્યારે જુનાગઢના ભારત સાથેના જોડાણ સંબંધમાં જે મુદ્દા રહેલા છે તેનું માનભર્યું સમાધાન થતાં સુધી જુનાગઢની સરકારને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ઈન્ડિયા સ્ટેટ ડિપાર્ટમેન્ટની મદદ માગવી, એવું એક મળેલી સભામાં ઠેરાવાયું હતું. તા. 13 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના મેદાનમાં ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલે જંગી જાહેર સભા યોજી હિન્દુસ્તાનમાં રહેવા માગતા લોકોનો મત માગ્યો હતો, ત્યારે તા. 9મી નવેમ્બરના જુનાગઢનો કબજો ઇન્ડિયા સ્ટેટના રીજનલ કમિશનરને સોંપ્યા બાદ તા. 13 નવેમ્બરના રોજ આરઝી હકૂમતની સેનાએ જુનાગઢના ઉપરકોટ ખાતે વહેલી સુપ્રભાતે ધ્વજવંદન કર્યું હતું.

જુનાગઢના આઝાદ દિન નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ બહાઉદીન કોલેજ ખાતે આરઝી હકૂમતના લડવૈયાઓને યાદમાં બનાવવામાં આવેલ વિજય સ્તંભનું મહાનગરપાલિકાના મેયરના અધ્યક્ષ સ્થાને પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગી ધારાસભ્ય ભીખા જોશી, મનપાના પદાધિકારીઓ અને નગરસેવકો સહિતના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories