દેશભરમાં ચોમાસાએ ફરી એકવાર જોર પકડ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે દેશના 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ચોમાસાની ટ્રફ અને એક્ટિવ ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવથી ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડમાં સ્થિતિ સૌથી વધુ સંવેદનશીલ રહેવાની શક્યતા છે. રાજ્યના અનેક પર્વતીય જિલ્લાઓમાં અતિભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને નદીઓના જળસ્તરમાં વધારો થવાનો ખતરો છે. 

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સતત વરસી રહેલા વરસાદ અને IMDની ચેતવણીને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી છે.તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટોને 24 કલાક સતર્ક રહેવા, સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવા તેમજ નદીઓ અને નાળાઓના જળસ્તર પર કડક દેખરેખ રાખવાના નિર્દેશ આપ્યા છે.

દક્ષિણ અને પશ્ચિમ ભારતના કેરળ, કોંકણ-ગોવા, ઓડિશા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

દિલ્હી-એનસીઆર, યુપી અને બિહારમાં પણ વરસાદ

રાજધાની દિલ્હી, હરિયાણા અને ચંડીગઢમાં સવારે જ વાદળછાયું વાતાવરણ રહેશે અને દિવસ દરમિયાન વચ્ચે-વચ્ચે ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

અન્ય રાજ્યોમાં પણ એલર્ટ

ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે. ઉપરાંત ઝારખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન તેમજ પૂર્વોત્તરના આસામ, મેઘાલય અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.