ઉત્તર પ્રદેશના કાસગંજ રમખાણોમાં જીવ ગુમાવનાર ABVP કાર્યકર ચંદન ગુપ્તાના મૃત્યુના કેસમાં 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. લખનઉ NIA કોર્ટના જસ્ટિસ વિવેકાનંદ શરણ ત્રિપાઠીએ શુક્રવારે આ નિર્ણય આપ્યો હતો.કોર્ટે ગુરુવારે 28 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આ નિર્ણય સામે દોષિતો વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. આ કેસનો આરોપી સલીમ ગુરુવારે કોર્ટમાં હાજર થયો ન હતો. તે શુક્રવારે કોર્ટમાં પહોંચ્યો હતો અને સરેન્ડર કર્યું હતું.
26 જાન્યુઆરી 2018ના રોજ કાસગંજમાં ચંદન ગુપ્તાની હત્યા કરવામાં આવી હતી. તેના મૃત્યુ બાદ કાસગંજમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પ્રશાસને ઈન્ટરનેટ બંધ કરવું પડ્યું. લગભગ એક અઠવાડિયા સુધી હોબાળો થયો.આ કેસમાં પોલીસે ડિસેમ્બર 2018માં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 2019માં ટ્રાયલ શરૂ થઈ હતી.2020માં બે મુખ્ય આરોપી વસીમ અને નસીમ જામીન પર જેલમાંથી બહાર આવ્યા હતા. સીએમને પરિવારની અપીલ બાદ, નવેમ્બર 2021માં આ કેસ લખનઉની NIA કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યારથી સુનાવણી ચાલી રહી હતી.