/connect-gujarat/media/media_files/2025/11/26/naxal-2025-11-26-15-13-41.jpg)
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં મંગળવારે 28 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કરીને મુખ્યધારામાં પરત ફરવાનો નિર્ણય લીધો.
સરન્ડર કરનારાઓમાં 19 મહિલાઓનો સમાવેશ થાય છે, જ્યારે 22 માઓવાદીઓ પર કુલ 89 લાખ રૂપિયાનું ઈનામ જાહેર હતું. સુરક્ષા દળો માટે આ મોટી સફળતા માનવામાં આવી રહી છે, કારણ કે આત્મસમર્પણ કરનારાઓમાં ઈસ્ટ બસ્તર ડિવિઝનની મિલિટરી કંપની નંબર-6ના ચાર હાર્ડકોર કેડર પણ સામેલ છે, જેમના પર આઠ-આઠ લાખ રૂપિયાનું ઈનામ હતું.
બસ્તર રેન્જના આઈજી સુંદરરાજ પટ્ટિલિંગમે જણાવ્યું હતું કે, સરકારે અમલમાં મૂકીેલી નવી સરન્ડર અને પુનર્વસન નીતિથી પ્રભાવિત થઈને આ કેડરોએ હિંસાનો માર્ગ છોડ્યો છે. નીતિ હેઠળ પૂર્વ નક્સલીઓને સુરક્ષા અને જીવનજીવિકા બંનેમાં સહાય મળે છે, જેના કારણે છેલ્લા કેટલાક મહિનામાં મોટા પાયે માઓવાદી આત્મસમર્પણ જોવા મળી રહ્યા છે.
આઈજીએ વધુમાં જાણકારી આપી કે છેલ્લા 50 દિવસમાં બસ્તર રેન્જના નારાયણપુર સહિત સાત જિલ્લાઓમાં કુલ 512થી વધુ માઓવાદી કેડરોએ હથિયાર મૂક્યા છે. થોડા દિવસો પહેલા સુકમામાં પણ 48 લાખના ઈનામદાર 15 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું, જેમાં સંસ્થાની સૌથી શક્તિશાળી બટાલિયન નંબર-1ના સભ્યો સામેલ હતા. સુરક્ષા દળો અને રાજ્ય સરકારે આ બદલાવને ક્ષેત્રમાં શાંતિ સ્થાપન તરફના મહત્વપૂર્ણ પગલા તરીકે ગણાવ્યો છે.