/connect-gujarat/media/media_files/2025/12/05/putin-2025-12-05-17-01-31.jpg)
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સહકારને નવી દિશા આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે 7 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
આ કરારો પ્રવાસન, હેલ્થકેર, ખાદ્ય સુરક્ષા, મેરિટાઇમ સહકાર અને ખાતરોના સંયુક્ત ઉત્પાદન જેવા ક્ષેત્રોને આવરી લે છે. સૌથી વધુ ધ્યાન ખેંચનાર નિર્ણય એ હતો કે ભારત રશિયાના નાગરિકોને 30 દિવસ માટે માન્ય મફત ઈ-ટૂરિસ્ટ વિઝા આપશે. પ્રવાસન ક્ષેત્રમાં નવા માર્ગો ખોલતા આ નિર્ણયથી બંને દેશો વચ્ચે લોકો-થી-લોકો સંબંધ મજબૂત બનશે.
ખાતર ઉત્પાદન સંબંધિત કરાર ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. હાલ ભારત રશિયા પાસેથી મોટા પાયે યુરિયા આયાત કરે છે, પરંતુ સંયુક્ત ઉત્પાદન શરૂ થતાં આયાત પરની નિર્ભરતા ઘટશે અને ખાતર ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધશે. સાથે સાથે ભારતીય શ્રમિકો માટે પણ વિશાળ તકો ખુલશે, કારણ કે આ કરારો તેમને વ્યવસ્થિત પ્રક્રિયાથી રશિયામાં કામ કરવા અને વધુ સારા રોજગાર વિકલ્પો મેળવવા માટે માર્ગ મોકળો કરશે. યુરોપિયન દેશોમાં કડક સ્થળાંતર નિયમો વચ્ચે આ પ્રાવધાન ખૂબ મહત્વનું બની રહ્યું છે.
બંને દેશો વચ્ચે થયેલા મુખ્ય કરારોમાં કોઓપરેશન અને માઇગ્રેશન એગ્રીમેન્ટ, અસ્થાયી શ્રમિક ગતિવિધિ સંબંધિત કરાર, હેલ્થકેર અને મેડિકલ એજ્યુકેશન, ફૂડ સેફ્ટી, પોલર શિપ ટેકનોલોજી, મેરિટાઇમ કોઓપરેશન અને ફર્ટિલાઇઝર ઉત્પાદન સંબંધિત કરારોનો સમાવેશ થાય છે. આ તમામ કરારો ભારત-રશિયા સંબંધોને વધુ વ્યાપક અને બહુવિધ ક્ષેત્રોમાં વિસ્તૃત બનાવવા માટે પાયો પુરા પાડે છે.
દ્વિપક્ષીય બેઠક દરમિયાન યુક્રેન મુદ્દે પણ ચર્ચા થઈ. વડાપ્રધાન મોદીએ પુતિનને કહ્યું કે ભારત ક્યારેય તટસ્થ નથી, પરંતુ શાંતિના પક્ષમાં છે અને વિશ્વમાં સ્થિરતા પુનઃસ્થાપિત થાય તેની અપેક્ષા ધરાવે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વૈશ્વિક સંકટો વચ્ચે પણ વિશ્વ ટૂંક સમયમાં શાંતિની દિશામાં આગળ વધશે. પુતિને પણ જવાબ આપ્યો કે રશિયા શાંતિને સમર્થન આપે છે અને યુક્રેન મુદ્દે ચાલતી ચર્ચાઓ વિશે ભારતને સતત માહિતગાર કરતું રહેશે.
બેઠક દરમિયાન PM મોદીએ પુતિનને દીર્ઘદૃષ્ટા નેતા ગણાવ્યા અને યાદ અપાવ્યું કે 2001માં તેમની પ્રથમ ભારત મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધોની નવી શરૂઆત થઈ હતી. 25 વર્ષથી ચાલતા આ મજબૂત સંબંધો આજે વ્યૂહાત્મક ભાગીદારીના નવા સ્તરે પહોંચી રહ્યા છે.