/connect-gujarat/media/media_files/2025/11/10/rdx-2025-11-10-12-03-27.jpg)
ફરીદાબાદમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી મોટી કાર્યવાહી બાદ દેશભરમાં ચકચાર મચી ગઈ છે.
આ ઓપરેશન દરમિયાન પોલીસે એક ડોક્ટરના ઘરેથી આશરે 300 કિલો RDX તથા અનેક AK-47 રાઈફલ્સ, કાર્ટ્રિજ અને અન્ય શસ્ત્રો જપ્ત કર્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, આ વિસ્ફોટક પદાર્થોનો જથ્થો કોઈ મોટા આતંકવાદી હુમલાની તૈયારી માટે એકત્રિત કરવામાં આવ્યો હતો. પોલીસને આ માહિતી ત્યારે મળી જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં ધરપકડ કરાયેલા ડોક્ટર આદિલ અહમદ રાઠર નામના વ્યક્તિએ પૂછપરછ દરમિયાન આ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી. આ માહિતીના આધારે જ તાત્કાલિક ફરિદાબાદમાં રેડ પાડવામાં આવી હતી, જ્યાં પોલીસે શંકાસ્પદ મકાનમાંથી મોટી માત્રામાં દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રી શોધી કાઢી.
પોલીસ તપાસમાં વધુ એક મહત્વપૂર્ણ નામ બહાર આવ્યું છે – ડૉ. મુઝામિલ શાકીલ, જે કાશ્મીરનો રહેવાસી છે અને જે આ નેટવર્કમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, આ બંને ડોક્ટરો વચ્ચે સતત સંપર્ક હતો અને તેઓ ફરીદાબાદમાં RDX તથા અન્ય શસ્ત્રો છુપાવવા માટે સાથે કામ કરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે બંને ડોક્ટરો કોઈ મોટી આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ બંનેને જમ્મુ અને કાશ્મીર પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલુ છે. આ પૂછપરછ દરમિયાન મળતી માહિતીના આધારે વધુ સ્થળોએ પણ રેડ પાડવાની તૈયારી છે.
સૂત્રો મુજબ, પોલીસને શંકા છે કે આ વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ દિલ્હી-NCR વિસ્તારમાં કોઈ મોટા આતંકવાદી હુમલામાં થવાનો હતો. આ ઘટનાએ સમગ્ર ઇન્ટેલિજન્સ નેટવર્કને સતર્ક કરી દીધું છે. દિલ્હી પોલીસ, એનઆઇએ અને અન્ય સુરક્ષા એજન્સીઓ હવે આ કાવતરાને ઉકેલવા માટે સંકલિત રીતે કામ કરી રહી છે. તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે આ નેટવર્ક જૈશ-એ-મોહમ્મદ (JeM) જેવા સંગઠનો સાથે જોડાયેલ હોઈ શકે છે, જે છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસો કરી રહ્યા હતા.
આ પહેલી વાર નથી જ્યારે જમ્મુ અને કાશ્મીર પોલીસે આવી મોટી કાર્યવાહી કરી હોય. છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં પણ ખીણ વિસ્તારમાંથી ભારે દારૂગોળો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા, પરંતુ આ વખતે મળેલ 300 કિલો RDXનો જથ્થો અત્યાર સુધીનો સૌથી મોટો ગણાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, એટલી મોટી માત્રામાં વિસ્ફોટકનો ઉપયોગ કરવાથી આખું શહેર હચમચી શકે છે. આથી, પોલીસે સમયસર પગલા લઈને એક મોટી દુર્ઘટનાને અટકાવી લીધી છે.
હાલમાં, તપાસ એજન્સીઓએ ફરીદાબાદ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરના વિવિધ સ્થળોએ રેડ વધારી દીધી છે અને જે લોકો ડોક્ટરો સાથે સંપર્કમાં હતા તેમની પૂછપરછ શરૂ કરી છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે આ ઓપરેશન માત્ર શરૂઆત છે અને આ નેટવર્કની પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય હાથ હોવાની પણ સંભાવના છે.