/connect-gujarat/media/media_files/2025/12/24/spotify-2025-12-24-13-12-05.jpg)
નવી દિલ્હી: વિશ્વની પ્રખ્યાત મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ સ્પોટીફાય એક મોટા ડિજિટલ સુરક્ષા ભંગનો શિકાર બની છે.
અહેવાલ મુજબ, ‘અન્ના આર્કાઇવ’ નામના ગ્રુપ દ્વારા અંદાજે 300 ટીબી મ્યુઝિક ડેટા, એટલે કે લગભગ 8.6 કરોડ મ્યુઝિક ફાઇલ્સ, ગેરકાયદેસર રીતે ડાઉનલોડ કરીને ટોરેન્ટ પર મૂકી દેવામાં આવી છે. આ ચોરી સામાન્ય નથી, પરંતુ સંગીત ઉદ્યોગની જડને હચમચાવી નાખે તેવી છે, કારણ કે તેમાં સ્પોટીફાય પર ઉપલબ્ધ કુલ મ્યુઝિક ફાઇલ્સનો લગભગ 37 ટકા હિસ્સો સામેલ હોવાનું કહેવાય છે, જ્યારે દાવો છે કે 99 ટકા યૂઝર્સ આ જ ફાઇલ્સને સૌથી વધુ સ્ટ્રીમ કરે છે.
સ્પોટીફાયે આ મામલે તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે, જ્યારે ચોરી કરનાર ગ્રુપ અન્ના આર્કાઇવ્સ પોતાનો બચાવ કરતા કહે છે કે તેઓએ આ પગલું સંગીતપ્રેમીઓ સુધી ગીતો પહોંચાડવા માટે લીધું છે, નફો કમાવવાના હેતુથી નહીં. જોકે, આ દલીલ છતાં હકીકત એ છે કે આ મ્યુઝિક ફાઇલ્સ હવે ટોરેન્ટ જેવા ગેરકાયદેસર માધ્યમો દ્વારા ફ્રીમાં ફેલાવવામાં આવી રહી છે, જેનાથી કલાકારોની આવક, મ્યુઝિક રાઇટ્સ અને ડિજિટલ પ્લેટફોર્મની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
ચોરી કરાયેલું મોટાભાગનું મ્યુઝિક Spotify Original OGG Vorbis 160 kbps ફોર્મેટમાં હોવાનું કહેવાય છે. જ્યારે ઓછા લોકપ્રિય ગીતોને સ્ટોરેજ બચાવવા માટે 75 kbps પર રિ-એન્કોડ કરવામાં આવ્યા હતા. આથી સ્પષ્ટ થાય છે કે આ ચોરી અત્યંત આયોજનબદ્ધ અને ટેક્નિકલ સમજ સાથે કરવામાં આવી છે, જેનાથી સ્પોટીફાયને માત્ર આર્થિક નહીં પરંતુ વિશ્વસનીયતાનું પણ મોટું નુકસાન થવાની શક્યતા છે.
આ સમગ્ર વિવાદ ફક્ત મ્યુઝિક ચોરી સુધી સીમિત નથી. તે મ્યુઝિકની જાળવણી, કલાકારોના હક્કો, અને ડિજિટલ કન્ટેન્ટની સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓને ફરી ચર્ચાના કેન્દ્રમાં લઈ આવ્યો છે. અન્ના આર્કાઇવ્સ પોતાને એક ઓપન-સોર્સ સર્ચ એન્જિન તરીકે ઓળખાવે છે, જે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વિવિધ લાઇબ્રેરીઓમાંથી પુસ્તકો, રિસર્ચ પેપર અને આર્ટિકલ્સની લિંક્સ એક જ સ્થળે દર્શાવે છે. તેમનો દાવો છે કે તેઓ કન્ટેન્ટ પોતે હોસ્ટ કરતા નથી, ફક્ત તે ક્યાં ઉપલબ્ધ છે તેની માહિતી આપે છે.
છતાં પણ, સ્પોટીફાય જેવી વૈશ્વિક પ્લેટફોર્મ પરથી આટલા મોટા પાયે મ્યુઝિક ફાઇલ્સ બહાર આવવી એ ડિજિટલ યુગમાં કન્ટેન્ટ સુરક્ષા કેટલી નાજુક બની છે તેનું ચિંતાજનક ઉદાહરણ છે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે કાયદાકીય કાર્યવાહી કયા વળાંક લે છે અને ભવિષ્યમાં કલાકારો તથા ડિજિટલ પ્લેટફોર્મ્સ પોતાના કન્ટેન્ટને કેવી રીતે વધુ સુરક્ષિત બનાવે છે.