/connect-gujarat/media/media_files/2025/11/19/bangladesh-2025-11-19-12-56-01.jpg)
દેશભરમાં ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાનનો સીધો અસર ગેરકાયદે રીતે ભારતમાં વસતા બાંગ્લાદેશી નાગરિકોમાં સ્પષ્ટ રીતે દેખાયો છે.
મતદાર યાદીની ઘર-ઘર ચકાસણી શરૂ થતાં જ ગેરકાયદેસર ઘૂસણખોરોમાં પકડાઈ જવાનો ભય ફેલાયો છે. આ ભય એટલો વધ્યો કે પશ્ચિમ બંગાળમાંથી લગભગ 500 બાંગ્લાદેશી નાગરિકોએ એકસાથે સરહદ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ તેમને હાકિમપુર ચેક પોસ્ટ નજીક રોકી લીધા.
પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ પાસે કોઈ વૈધ દસ્તાવેજ પાસપોર્ટ, વિઝા અથવા ઓળખપત્ર કોઈ પણ પ્રકારનો પુરાવો નહોતો, તેમજ મોટાભાગના લોકો ઘણા વર્ષોથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં મજૂરી, બાંધકામ અને ઘરેલુ કામમાં રોકાયેલા હતા.
SIR ચકાસણી અંગેની ચર્ચાએ તેમની ચિંતા વધુ વધારી દીધી હતી, કારણ કે BLO દ્વારા પૂછાતા પ્રશ્નો ખાસ કરીને “શું તમારું નામ 2003ની મતદાર યાદીમાં હતું?” જેવા સવાલો ગેરકાયદે ઘૂસણખોરોને મુશ્કેલીમાં મૂકે છે. આવા જૂના રેકોર્ડ તેમના પાસે હોય જ નહીં, અને પકડાઈ જવાની શક્યતા સામે તેઓ ફરી સરહદ પાર કરીને પોતાના દેશમાં પાછા જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
BSFની 143મી બટાલિયને હાકિમપુર વિસ્તારમાં અચાનક વધેલી ભીડ અને સરહદ તરફ જતી હલચલને ધ્યાનમાં લેતા શંકા વ્યક્ત કરી અને સમગ્ર જૂથને ઇન્ટરસેપ્ટ કર્યું. BSF અધિકારીઓ અનુસાર, આ અત્યાર સુધીની સૌથી મોટી એવી ઘટના છે જેમાં એક સાથે એટલી મોટી સંખ્યામાં લોકો ગેરકાયદે રીતે ભારત છોડતા ઝડપાયા છે. ખાસ વાત એ છે કે આ મહિનાની શરૂઆતમાં પણ લગભગ 100 બાંગ્લાદેશી નાગરિકો SIRના ડરથી ભાગવાનો પ્રયાસ કરતા ઝડપાયા હતા, જે દર્શાવે છે કે અભિયાનનો પ્રભાવ ગેરકાયદેસર વસ્તી પર ઝડપી રીતે પડી રહ્યો છે.