મધ્ય પ્રદેશના હોસ્પિટલમાં 6 બાળકો HIV પોઝિટિવ, બ્લડ બેન્કના ડૉક્ટર સહિત ત્રણ સસ્પેન્ડ

મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાંથી સામે આવેલા એક ગંભીર અને ચોંકાવનારા મામલાએ સમગ્ર રાજ્યના સ્વાસ્થ્ય વિભાગને હચમચાવી દીધો છે.

New Update
HIV AIDS

મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાંથી સામે આવેલા એક ગંભીર અને ચોંકાવનારા મામલાએ સમગ્ર રાજ્યના સ્વાસ્થ્ય વિભાગને હચમચાવી દીધો છે.

હોસ્પિટલમાં લોહી ચઢાવ્યા બાદ 6 બાળકોના HIV પોઝિટિવ રિપોર્ટ આવ્યા હોવાની પુષ્ટિ થતાં રાજ્ય સરકારે તાત્કાલિક અને કડક પગલાં લીધાં છે. પ્રાથમિક તપાસમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન પ્રક્રિયામાં ગંભીર બેદરકારીના સંકેત મળ્યા બાદ હોસ્પિટલના બ્લડ બેન્ક પ્રભારી ડૉ. દેવેન્દ્ર પટેલ અને બે લેબ ટેક્નિશિયન રામ ભાઈ ત્રિપાઠી તથા નંદલાલ પાંડેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી ગુરુવારે કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર મામલો જાહેરમાં આવતાં જ પ્રશાસન પર દબાણ વધ્યું હતું.

રાજ્યના લોક સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, 16 ડિસેમ્બરના રોજ આ ગંભીર મામલાની તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિના પ્રારંભિક અહેવાલમાં સ્પષ્ટ થયું છે કે બ્લડ બેન્કની કામગીરીમાં જરૂરી સુરક્ષા ધોરણોનું પાલન કરવામાં આવ્યું નહોતું અને લોહી ચઢાવવાની પ્રક્રિયામાં ગંભીર ખામીઓ રહી ગઈ હતી. આ કારણે જ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લા હોસ્પિટલના પૂર્વ સિવિલ સર્જન મનોજ શુક્લાને કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી છે અને તેમની પાસે લેખિતમાં સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે.

અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો સિવિલ સર્જન તરફથી આપવામાં આવતું જવાબ સંતોષકારક નહીં હોય, તો તેમની સામે પણ કડક વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે. સરકારએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે અને કહ્યું છે કે બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. સ્વાસ્થ્ય વિભાગે એ પણ સ્પષ્ટ કર્યું છે કે દોષિતોને કોઈપણ સંજોગોમાં બચવા નહીં દેવામાં આવે.

મળતી માહિતી મુજબ, 12થી 15 વર્ષની વયના આ છ બાળકો અલગ-અલગ સમયે જિલ્લા હોસ્પિટલમાં લોહી ચઢાવ્યા બાદ HIV પોઝિટિવ થયા હતા. આ કેસો જાન્યુઆરીથી મે મહિનાની વચ્ચે સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે અમુક બાળકોને સતના ઉપરાંત જબલપુર સહિત અન્ય જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં પણ લોહી ચઢાવવામાં આવ્યું હતું, જેના કારણે તપાસનો વિસ્તાર વધુ વિશાળ બનાવવામાં આવ્યો છે.

આ મામલો સામે આવતાં જ સ્વાસ્થ્ય વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. તપાસ દરમિયાન એ પણ ખુલાસો થયો છે કે એક બાળકના માતા-પિતા પણ HIV સંક્રમિત થયા છે, જે સ્થિતિને વધુ ગંભીર બનાવે છે. જોકે અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે કે તમામ સંક્રમિત બાળકોની સારવાર રાષ્ટ્રીય HIV ઉપચાર પ્રોટોકોલ અનુસાર કરવામાં આવી રહી છે અને તેમને તમામ જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવશે. સરકારએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે બ્લડ બેન્ક અને બ્લડ ટ્રાન્સફ્યુઝન સિસ્ટમની વ્યાપક સમીક્ષા કરવામાં આવશે.

Latest Stories