/connect-gujarat/media/media_files/2025/11/22/delhi-2025-11-22-14-26-53.jpg)
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરીના એક મોટા અને ખતરનાક રેકેટ પર મોટી કાર્યવાહી કરી છે.
પોલીસે ચાર એવા આરોપીઓને ઝડપ્યા છે, જેઓ પાકિસ્તાનથી ડ્રોન મારફતે મોકલાયેલા અત્યાધુનિક હથિયારોની ખેપ ભારતના કુખ્યાત અને હાઈ-પ્રોફાઇલ ગેંગસ્ટરો સુધી પહોંચાડવાની તૈયારીમાં હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રાઈમ બ્રાન્ચને વિશ્વસનીય બાતમી મળી હતી કે કેટલાક તસ્કરો દિલ્હી ખાતે હથિયારોનો મોટો જથ્થો પહોંચાડવા માટે છુપાઈને પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
આ ઈનપુટના આધારે પોલીસે રોહિણી વિસ્તારમાં ખાસ ટ્રેપ ગોઠવ્યો અને ઓપરેશન દરમ્યાન ચારેય આરોપીઓને પકડવામાં સફળતા મેળવી. તેમની પાસેથી મળેલા હથિયારોમાં તુર્કી અને ચીનમાં બનેલા હાઈ-ટેક અને અત્યાધુનિક વેપન્સનો સમાવેશ થાય છે, જે હાલના ક્રિમિનલ નેટવર્ક માટે સૌથી વધુ માંગમાં રહેતા હોય છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ ખતરનાક હથિયારો પાકિસ્તાનથી ડ્રોન વડે પંજાબના સરહદી વિસ્તારમાં ઉતારવામાં આવ્યા હતા. ત્યાંથી આ તસ્કરો હથિયારોને દિલ્હી સુધી લઇ આવ્યા હતા, જ્યાંથી તે લોરેન્સ બિશ્નોઈ, બંબીહા, ગોગી અને હિમાંશુ ભાઉ જેવી કુખ્યાત ગેંગ સુધી પહોંચાડવાના હતા. આ ગેંગો ઉત્તર ભારતના ક્રિમિનલ સર્કિટમાં સૌથી સક્રિય અને જોખમી માનવામાં આવે છે, જેના કારણે આ હથિયાર ખેપ રોકવામાં પોલીસે મોટી સફળતા મેળવી છે.
હાલ ક્રાઈમ બ્રાન્ચ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આ રેકેટથી જોડાયેલા અન્ય તસ્કરો, હથિયાર સપ્લાયરો અને ફંડિંગ ચેઇન સુધી પહોંચવા માટે સઘન કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરક્ષા એજન્સીઓ હાઈ અલર્ટ પર આવી ગઈ છે અને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.